શુક્રવાર, 17 ઑગસ્ટ, 2018

હાંડી ખો સાથે પ્રિયદર્શિની પોઈન્ટ અને છેલ્લે પંચમઢી–ફિર મિલેંગે


હાંડી ખો અને પ્રિયદર્શિની પોઈન્ટ

પંચમઢીના જંગલો અને ખીણોએ એકબીજાની નજીક રહીને પ્રવાસીઓ ઉપર કરેલો ઉપકાર ભૂલાય જ નહીં. સવારમાં વહેલાં પરવારીને બે ત્રણ સ્થળો ફરી આવો ને જમી પરવારીને વળી સાંજ સુધીમાં બીજા બે ચાર સ્થળો ખુંદી વળો એટલે બે દિવસમાં તમારું પંચમઢી જોવાઈ જાય. એમ તો આરામથી રહેવું–ફરવું હોય તો પોતાની મરજીથી ફરાય પણ અમારે તો ભાડું વસૂલ કરવા બને તેટલી જગ્યાઓને ન્યાય આપવાનો હોઈને બપોરે જમીને ઉપડ્યાં હાંડી ખો અને પ્રિયદર્શિની પોઈન્ટ! હવે દિનેશને અમે ગાડી ચલાવવામાંથી મુક્તિ આપીને એને ખુશ કરી દીધો. રિસોર્ટ તરફથી ફરતી ખુલ્લી જિપ્સીમાં અમે પાંચ સાહસિકો નીકળી પડ્યા. જતાં ને આવતાં જે ઝડપ અને કાબેલિયત જિપ્સીના ડ્રાઈવરે બતાવી તે જોઈને તો દિનેશ પણ આફરિન થઈ ગયો. ઉંચા ઢાળ પર રસ્તાને કિનારે કિનારે જિપ્સી ભાગતી હોય અને તદ્દન નજીક ઊંડી ખીણ દેખાતી હોય તો ભલભલાના હાંજા ગગડી જાય. અચાનક કોઈ વળાંકે બે જીપ સામસામે થઈ જાય અને બધાના હોશ ઊડી જાય. જો કે મજા તો એટલી આવી કે મેં જાહેર કરી દીધું, ‘હવેના બધા પ્રવાસ મેં તો ખુલ્લી જિપ્સીમાં કરવાનું જ નક્કી કરી લીધું. ચાહે ગમે તેટલો તાપ–તડકો હોય, ગમે તેટલી ઠંડી પડે કે બરફ પડે અને ગમે તેટલો વરસાદ પડે તોય વાંધો નહીં. શું મજા આવે છે બાકી, આહા!’ પેલી ત્રણેય વાંકા મોંએ તો હસવાની જ હતી પણ દિનેશેય એમાં મોં ફેરવીને સાથ પુરાવ્યો તે મને ન ગમ્યું.
ખેર, એક તો હાંડી અને ખો શબ્દોએ મનમાં સવાલ ઊભા કર્યા. હાંડી એટલે તો પેલી કહેવત ‘ઘરમાં હાંલ્લા કુસ્તી કરે’માં આવે તે જ હશે? હાંડલાનું હાંલ્લા! કે પછી હાંડી પનીર, હાંડી બિરયાની, હાંડી પુલાવ વગેરેમાં આવે તે બેઠા ઘાટની પણ માટલી જેવા આકારની કોઈ જગ્યા? જોઈએ તો ખરાં કે કોણ કોણ ત્યાં ખો રમતું હતું ને ત્યાં કોની હાંડી હતી? ગાઢ જંગલને વીંધતી જતી જીપ ઊંચી ટેકરી પર એક જગ્યાએ ઊભી રહી અને અમે જાણે કોઈ અલૌકિક–અદ્ભૂત ફ્રેમમાં ગોઠવાઈ ગયાં.વાહ! અમે ત્રણસો ફૂટ ઊંડી ખીણની ટોચ પર છીએ? અહીં મોટેથી બૂમ પાડીએ તોય નીચેના જંગલોમાં એ બૂમ ક્યાંય ખોવાઈ જાય. અમે સૌ નિ:શબ્દ.
હાંડી ખોની વાર્તા જાણીને ફરી એક વાર અમે આશુતોષજીની માયાવી દુનિયામાં પહોંચી ગયાં. એક જમાનામાં અહીં એક મોટું સુંદર તળાવ હતું, જેની એક ખૂંખાર, ખતરનાક ને ઝેરીલો સાપ રક્ષા કરતો હતો. હવે ભોલેનાથને એની સાથે શું વાંકું પડ્યું તે ખબર નહીં પણ સાપને લલકારીને એની સાથે ભીષણ યુધ્ધ કર્યું ને એનું નામોનિશાન મિટાવી દીધું! આ આપણને પસંદ ના પડ્યું. ભલે પેલો સાપ ખતરનાક હતો પણ તળાવની રક્ષા કરતો હતો. એને આમ મારી નખાય? હશે જેવી શંભુ ઈચ્છા! પરિણામ પણ કેટલું ખરાબ આવ્યું? એ યુધ્ધની ગરમીએ પેલા તળાવને સૂકવી નાંખ્યું અને એ જગ્યાનો આકાર બની ગયો હાંડી જેવો. તો પછી ખો એટલે? નટરાજે પેલા સાપને ખો રમવા લલકાર્યો હશે એટલે જ કદાચ નામ પડ્યું ‘હાંડી ખો’!
ફરી લસરપટ્ટી જેવો ઢાળ ઊતરતાં અમે પહોંચ્યાં ‘પ્રિયદર્શિની પોઈન્ટ’. આ નામ એક જ વ્યક્તિની ઓળખ આપે એવું હોવાથી મેં કોઈ સવાલજવાબ ન કર્યા પણ મનમાં તો થયું જ કે આવી જગ્યાઓને પણ રાજનેતાઓના નામ! કારણ? તો આ જગ્યા મૂળ ફોર્સીથ નામના અંગ્રજ કેપ્ટને અઢારસો ને સત્તાવનમાં જોયેલી અને એ ગાંડો થઈ ગયેલો! ગાંડો એટલે કે આ જગ્યાનો દિવાનો બની ગયો અને પંચમઢીની સ્થાપના એણે કરી એવું કહેવાય છે. આ ફોર્સીથ પોઈન્ટથી ઓળખાતી જગ્યાની ઈંદિરાજીએ એક વાર મુલાકાત શું લીધી કે ત્યારથી નામ પડી ગયું ‘પ્રિયદર્શિની પોઈન્ટ’! એ તો આપણે કોઈ મોટી હસ્તી નહીં એટલે બાકી તો અમારા નામ પાછળેય આવી કોઈ જગ્યાનું નામ પડી જ જાત ને? હશે હવે, જવા દો.
ઈંદિરાજી ખાસ અહીં સુધી કેમ આવેલાં? એ તો જે અહીં ઊભા રહીને હરિયાળી ટેકરીઓની શોભા જોતાં ધરાય નહીં એને પૂછવું પડે. દૂર દૂર સુધી પથરાયેલી કેટલીય ટેકરીઓ એકમેકની પાછળ સંતાઈને ડોકિયાં કરતી હોય એટલું રમણીય દ્રશ્ય કલાકારોને પણ ત્યાં જવા એટલા જ લલચાવે. અહીં ‘સનસેટ’ પોઈન્ટ  ન હોય તો જ નવાઈ. દરેક હિલ સ્ટેશન પર સૂરજને ઊગતો ને આથમતો જોવા ભીડ તો થાય જ. શહેરોમાં કોણ સૂરજ–ચાંદાને જોવા નવરુંય હોય? અહીં તદ્દન નવરાં એટલે યાદ ન રહે તોય જોવા જેવી જગ્યાના લિસ્ટમાં હોય એટલે લાભ લઈ લે. અમેય કેમ બાકી રહીએ? મને તો બધે ઉચ્છલની હરિયાળી યાદ આવતી હતી પણ ત્યાંય ક્યાં બધે પહોંચાયું છે? અંધારું ઊતરે તે પહેલાં અમે ઢાળ ઊતરી ગયાં અને હાજર થઈ ગયાં, ‘મીઠેમેં ક્યા હૈ’ પૂછવા મનપસંદ જગ્યાએ.
(તસવીરો–ગૂગલની મહેરબાની)




પંચમઢી–ફિર મિલેંગે


પંચમઢી છોડવાના વિચારે જ અમે સૌ ઉદાસ થઈ ગયેલાં. આ સ્વર્ગમાં ફરી ફરીને ફરવા આવવાનું
મન થશે ત્યારે? ફરીથી કોણ જાણે ક્યારે અવાશે. નહીં જ અવાય એની ખાતરી સાથે અમે પાછળ ફરી ફરીને પંચમઢીને વિદાય આપી ત્યારે મન પર રિસોર્ટના ભોજનની મીઠી યાદોનો પણ ભાર હતો. જ્યારે પણ કશે ખીર ખાઈશું, ત્યારે અહીંની ખીર તો મનમાં ઝબકવાની જ. રસ્તે કે ફિલ્મોમાં જિપ્સી જોઈને અહીંની જિપ્સી–સફર યાદ નહીં આવે? જટાશંકર ને પાંડવગુફા ને હાંડી ખો ને આહાહા! બે દિવસમાં જ કેટલી બધી યાદોને બૅગમાં ભરીને ચાલ્યાં. આ કપડાં, આ બૂટ–ચંપલ ને આ બૅગ પણ પંચમઢીની જ યાદ અપાવશે ને? ધાર્મિક સ્થળોની એકસામટી મુલાકાતો પછી પણ આ જગ્યાની માયામાંથી અમે મુક્ત ન થઈ શક્યાં, એટલે જ આખે રસ્તે એની જ યાદો મમળાવતાં રહ્યાં.


‘અંજુ, જો નીં, અજુ કંઈ જોવાનું બાકી રે’તુ ઓ’ય તો આપણે પાછા ફરી જઈએ.’ મેં અંજુની સાથે બધાંને લલચાવી જોયાં.
‘અરે, ના ભઈ ના. આપણું બધ્ધે બુકિંગ થઈ ગયલુ છે ને અંઈના પાછા એક દા’ડના વધારાના પૈહા ભરીને રે’વાનું? જોયુ અવે, બો જોયુ ને એનો જ સંતોસ માનવાનો બીજુ હું?’ પારુલની ના સાંભળતાં જ મારું મોં પડી ગયું. જૉલી ને અંજુ અવઢવમાં પડ્યાં કે કોના પક્ષે બોલીએ? મન પંચમઢી ખેંચાતું હતું અને વધારાનું સંભવિત બિલ, દિલને આગળ જવા મજબૂર કરતું હતું. ખેર, પંચમઢીનો કંઈ મેળ નહીં પડે એવું સમજી ગયેલા દિનેશે પણ ધીમી પાડેલી ગાડીને ભગાવવા માંડી.

મનની શાંતિ ખાતર મેં અંજુને કહ્યું, ‘તારા ‘પંચમઢી આખ્યાન’માંથી પંચમઢીના બાકી રહેલા અધ્યાયોનું પઠન કરતી થા બહેન. એ બહાને મારા આત્માને જે શાંતિ મળી તે.’ જૉલીને મારી આ વાત પર હસવું આવ્યું! પારુલે મલકીને મોં મચકોડ્યું. અંજુએ હસતાં હસતાં એમ પી ટ્રાવેલ બ્રોશરમાંથી પંચમઢીનો અધ્યાય શરૂ કર્યો.
‘માતે, આપણા બાકી રહેલા અધ્યાયોમાં બી ધોધ, ડચેસ ધોધ, રજતપ્રપાત, જમુના ધોધ, સાતપુડા નૅશનલ પાર્ક, બાયસન લૉજ, ચૌરાગઢ મંદિર અને ક્રાઈસ્ટ ચર્ચ નો સમાવેશ થાય છે. તમે કહો તે અધ્યાય માંડું.’ અંજુએ તરત જ ગંભીર મુખમુદ્રા ધારણ કરી.

‘મહારાજ(કે મહારાણી), આમાં ચાર તો ધોધનાં જ નામ છે અને ભલે બધા જ જોવાલાયક હશે પણ અમને તો ચોમાસામાં અમારા ડાંગના ગિરા ધોધથી અધિક સુંદર ધોધ કોઈ લાગ્યો જ નથી, એટલે આ ચારેય ધોધ–અધ્યાયને તમે ઉડાવી દેશો તો ચાલશે. મને લાગે છે કે નૅશનલ પાર્ક એટલે જંગલ બુક જ ને? બધે એકનાં એક જ પ્રાણીઓ જોઈને હવે અમને આવા પ્રાણી સંગ્રહાલયોમાં પણ કોઈ રસ રહ્યો નથી. મહાદેવનાં મંદિરો જોઈને એટલાં ધરાઈ ગયાં છીએ ને કે નવીનતા ને સાહસ ખાતર મેં બધે દર્શન કર્યાં પણ બધે એક જ ભગવાનમાં માનનારાઓને હવે વધારે મંદિર જોવા ખાસ અહીં રોકાઈ જવાની ઈચ્છા થાય એવું સંભવ નથી. હવે બાકી રહેલી જગ્યાઓમાં એક ચર્ચ છે એ પણ મારે મન તો કોઈ મંદિરથી કમ નહીં અને છેલ્લે બાયસન લૉજ તે વ્યાખ્યાન કેન્દ્ર હોવાથી સમયના અભાવે એના પર હું રાજીખુશીથી ચોકડી મારું છું. હાશ! સારું થયું કે આ પુસ્તિકારૂપી પંચમઢી ગાઈડ તારી પાસે છે તો કાયમ માટે રહી જનારા અફસોસનો બોજ હવે મારા મન પર નહીં રહે. ખૂબ આભાર ગુરુજી.’

અંજુ બોલી ગઈ તે બધાં જ સ્થળો જોવાલાયક હશે તો જ એમનાં નામ જાણીતાં હશે પણ હજી જોવાનું બાકી રહેલું ભોપાલનું મ્યુઝિયમ અમને પોકારતું હતું, ઈંદોરનું કાચનું જૈન મંદિર અને હોલકરનો રાજમહેલ પોકારતો હતો, ઈંદોરની છપ્પન દુકાનોના છપ્પન ભોગ પોકારતા હતા, મહેશ્વરની સાડીઓ અમારી રાહ જોતી હતી ને ઓમકારેશ્વર? ઓમકારેશ્વર જોયા વગર તો ઘરે પાછા ફરાય એવું હતું જ નહીં. જે મળતે તે પૂછતે, ‘તમે ઓમકારેશ્વર ન જોયું? અરેરે! આટલું બધું ફર્યાં અને ઓમકારેશ્વર જ ન ગયાં?’ અમારે આવી વાતો ને સવાલોમાંથી પસાર નહોતું થવું એટલે મનને કઠણ કરીને આગળના પ્રવાસ ઉપર ધ્યાન આપ્યું. ગાડી ઢાળ ઊતરી રહી હતી અને વનરાજીની સાથે ટેકરીઓના ઢોળાવો પણ અમારી સાથે ઊતરી રહ્યા હતા. કશેક વાદળો ઘેરાતાં તો કશેક વરસાદ પડી ગયેલો જણાતો. ખુશનુમા ને આહ્લાદક વાતાવરણે મનનો બોજ હળવો કરી નાંખ્યો. અંતકડીએ બેસૂરા ગીતોથી હસીમજાકનો દોર શરૂ કર્યો.

ફરી એક વાર ભોપાલના અમારા પ્રિય ભોજતાલ તળાવનું ચક્કર કાપી અમે પહોંચ્યાં અમારા હંગામી નિવાસે. થોડે જ દૂર દેખાતા તળાવની બરાબર સામે બારીમાં ઊભા રહીને ચાની ચુસકીઓ લેવાની મજા તો ભઈ ચા પીનારાં જ જાણે. પછી તો, સોમવાર ન હોવાની વારંવાર ખાતરી કરીને અમે ઉપડ્યાં જગપ્રસિધ્ધ ટ્રાઈબલ મ્યુઝિયમ જોવા. એમ તો ભોપાલમાં ઘણાં જાણીતાં મ્યુઝિયમ છે. લશ્કરની જાણકારી આપતું ‘યોધ્ધાસ્થળ’ મ્યુઝિયમ, પુરાતત્વ વિભાગનું ‘બિરલા મયુઝિયમ’, પહેલાં ‘ગુડિયાઘર’ અને હવે ‘કાન્હા એમ્પોરિયમ’ તરીકે ઓળખાય છે તે જેલના કેદીઓ દ્વારા બનાવાયેલી ઢીંગલીઓનું સંગ્રહસ્થાન, ‘સાયન્સ સેન્ટર’ કે ‘સાયન્સ મ્યુઝિયમ’, એશિયાનું એક માત્ર ‘ટેલિકોમ મ્યુઝિયમ’, સાંચી સ્તૂપ નજીક ‘સાંચી મ્યુઝિયમ’, ‘ઈંદિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય’(આમાં કેવા માનવોનો સંગ્રહ હશે?), ભોપાલ ગેસકાંડની સારી–ખરાબ ઘટનાઓનો સંગ્રહ એટલે ‘રિમેમ્બર ભોપાલ મ્યુઝિયમ’ અને ભારતનું એક માત્ર, નવી કે જૂની, શહેરી કે ગામઠી એવી દરેક લોકકલાને રજૂ કરતું ‘રુપંકર મ્યુઝિયમ’. અમને તો આદિવાસીઓના મ્યુઝિયમમાં જરા વધારે રસ હોવાને કારણે અમે સીધા ત્યાં જ પહોંચ્યાં. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના પ્રતિનિધિને અમે સાથે લઈને નીકળેલાં એટલે એને પણ થોડો સંતોષ થાય, થોડી પ્રેરણા મળે અને ન મળે તોય એમ પીના આદિવાસીઓ વિશે સૌને જાતજાતનું જાણવા તો મળે એ જ ઈચ્છા. અમને શું ખબર કે અમારે તો મ્યુઝિયમ જોઈને ધોધમાર અફસોસ જ કરવાનો છે? ક્યારેય કોઈ મ્યુઝિયમ જોઈને અમે આટલાં નિરાશ નથી થયાં. મનમાં તો બહુ દુ:ખ થયું કે, પેલો દિનેશ શું જોઈને બધે ફરી ફરીને ફોટા પાડતો હતો? એને કોઈ વાતનો અફસોસ કે કોઈ વાતનું દુ:ખ કેમ નથી થતું? જો કે, એમાં આપણે શું કરી શકીએ? કંઈ નહીં. અમે એને એના હાલ પર છોડી દીધો.
(તસવીરો–ગૂગલની મહેરબાની)