રવિવાર, 3 જૂન, 2018

‘મીઠેમેં ક્યા હૈ?’


માણસે પોતાની લૂલીને જેટલાં લાડ લડાવ્યાં હશે ને, એટલાં તો કોઈને લડાવ્યાં નહીં હોય. હા, લાડ કરી કરીને એને બગાડી પણ એટલી હોય ને કે ન પૂછો વાત. લૂલી પર આપણે બે બાબતે પહેરો ભરવો પડે. એક તો જ્યાં ને ત્યાં, જે તે વસ્તુ ખાવા કે પીવા જોતાંની સાથે જ એ લલચાઈ ન જાય અને બીજો જ્યાં ને ત્યાં, જેની કે તેની આગળ લોચા કે લચ્છા ના મારી બેસે અથવા તો એના ખાનગી નામ–કાતરની જેમ કંઈ ઊંધું વેતરી ના બેસે. અમે તો પ્રવાસમાં અમારી લૂલીને જીવનનો અણમોલ એવો ભોજનનો રસ લેવા છૂટ્ટી મૂકી દીધેલી. જ્યાં ગયાં હોઈએ ત્યાંની વાનગીઓ ચાખીએ પણ નહીં તો કેટલું ઘોર પાપ કરી બેસીએ? એ પ્રદેશના લોકો સાથે ને ત્યાંની વાનગીઓ સાથે અન્યાય જ કરેલો કહેવાય ને? વેજ કે નૉનવેજનો બાધ ઠીક છે પણ જ્યારે કેટલી બધી મહેનતે રસોઈયાએ બનાવેલી ને મદદનીશોએ આકર્ષક રીતે ગોઠવેલી વાનગીઓ બાજુએ મૂકીને બ્રેડ–બટર કે પૂરી–ભાજી ખાવાનું જો આપણે વિચારીએ તો, ‘યે અચ્છી બાત નહીં હૈ.’ એક વાર ચાખ્યા પછી તો જે ભાવે તે ને જેટલું ખાવું હોય તેટલું ખાવાની ક્યાં ના છે? એટલે તો અમે ચાર એકલાં જ નીકળેલાં. કોઈ કોઈને ટોકતું નહીં ને તબિયત વધવાની તો કોઈને બીક હતી જ નહીં. બે ચાર કિલોમાં શું એવડો મોટો ફેર પડી જવાનો? એ તો ઘેરે જઈને ઊતારી જ દેવાહે ને? બસ, બહાર નીકળ્યાં પછી બીતાં બીતાં ખાવાનું નહીં એ નિયમને અમે વળગી રહેલાં.

પહેલે દિવસે તો અમે થાકેલાં એટલે ખીર ખાઈને ખુશ થઈ બાકી બધું ચુપચાપ ખાઈ ગયેલાં. બીજા દિવસથી સવારના નાસ્તાના રાઉન્ડમાં, અમે નાસ્તાના ટેબલની ફરતે બે વાર રાઉન્ડ મારીને પછી બધું ચાખવા ડિશ ભરીને બેસવા માંડ્યું. સાથે ચા, કૉફી કે જ્યુસ તો ખરું જ. એમ પીમાં આપણાં બટાકાપૌંઆ બહુ લોકપ્રિય. શણગાર જુદો હોય પણ સ્વાદ તો એ જ ચટપટો. શહેર કે ગામની લારીઓ પર લોકો આ હળવો નાસ્તો ગરમ જલેબી સાથે અચૂક કરતાં દેખાય. બટાકાપૌંઆની સાથે ગરમાગરમ જલેબી જ જામે એ આપણી જેમ એ લોકોને પણ ખબર. વળી નજીકમાં જ સુગંધીદાર ખસ્તા કચોરી ગાલ ફુલાવીને અમને જોતી હોય એટલે એને ગાલે ચૂંટી ખણવા પણ એને લેવી જ પડે. સાથે ચટપટી ચટણીઓ તો ખરી જ. આપણે કોઈ પણ ફરસાણને સેવ કે ચટણી વગર કલ્પી નથી શકતાં. વાનગીના મસ્ત સ્વાદને વધારેમાં વધારે લાળઝરતો સ્વાદ કેમ કરાય તે આ કરકરા કે લીસા શણગારને બરાબર ખબર. ગાજરનો હલવો તો કશે ન દેખાયો પણ ત્યાંની મશહૂર મીઠાઈ કે વાનગી જે ગણો તે વરાળ નીકળતો મકાઈનો શીરો એના ભારે શણગાર સાથે ચમકતો હતો!

આહાહા! શો સ્વાદ! તૈયાર ભોજનની મજા જ કંઈ અલગ હોય. મકાઈનો મસાલેદાર ચેવડો કહો કે છીણો કહો–વરસોથી ખાઈએ અને પછીથી તો શીરો બનાવીને પણ સંતોષ લીધો છે. તોય આ ‘મક્કેકી કીસ’! અદ્ભૂત! છીણને કીસ કહે એટલે, કીસે હુએ મક્કેકો–છીણેલી કુમળી મકાઈને ઘીમાં સાંતળીને, દૂધથી પકાવીને ખાંડની સાથે એલચી ને સૂકા મેવા સાથે જો શીરો બનાવીને સજાવી હોય તો એટલીસ્ટ હું તો બીજું કંઈ જ ન માગું. મકાઈનો મસાલાવાળો ને માથે કોપરા–કોથમીર સાથે વટ મારતો છીણો/ચેવડો પણ એટલો જ સ્વાદિષ્ટ. અમારા ચારમાં બહેન અંજુ વરસોથી અમારી તરલા દલાલ બનીને અને પછીથી સંજીવ કપૂરના રૂપે અમને જાતજાતની વાનગીઓ ખવડાવતી રહી છે. શોખીન લોકોના શોખ એમની મનગમતી વસ્તુ સામે આવતાં જ આખા શરીરે ઝગમગ ઝગમગ થવા માંડે. દર વખતે નવી વાનગી ચાખતાંની સાથે જ અમારી કપૂર–દલાલ એની રેસિપી ફટાફટ બોલવા માંડતી. એક વાત મેં ખાસ નોંધેલી કે એકેય દિવસ એકેય વાનગીમાં ખામી કાઢવા જેવું એને કંઈ નહોતું લાગ્યું. મતલબ? ત્યાંનું ભોજન વખાણવાલાયક તો ખરું જ પણ પ્રચારને લાયક પણ હતું. અમને પછીથી ખબર પડેલી કે પંચમઢીમાં સ્વાદિષ્ટ ભોજન માટે આ સરકારી રિસોર્ટના રસોઈયા જાણીતા હતા. બસ પછી તો પૂછો મત, હમને ક્યા ક્યા ખાયા ઔર કૈસે કૈસે ખાયા!

બપોરના ને રાતના ભોજનમાં પણ રોજ નવી વાનગીઓ પીરસાય. એક પણ શાક ફરી વાર દેખાયું નહોતું. કે એના એ ફરસાણે પણ ઘડી ઘડી ડોકિયું નહોતું કર્યું. ગુજરાતીઓ મીઠું–ગળ્યું ખાવા માટે મશહૂર છે.(ખાવા માટે કંઈ કોઈને બદનામ કહેવાતું હશે?) અહીં જોયું તો અહીં પણ મીઠી વાનગીઓની કમી નહોતી. છેલ્લે મુખશુધ્ધિ અર્થે મીઠાઈ તો પીરસાતી જ. અમે ચારેય સ્વાદરસિયા. જૉલી પણ સ્વાદ–શોખીન ખરી પણ અમારી કંપનીમાં પહેલી વાર એટલે શરૂઆતમાં થોડી શરમાતી. જો કે, એક જ વારમાં એને સમજાઈ ગયું કે આ લોકો સાથે ભોજન પર તૂટી પડવામાં કોઈ સંકોચ રાખવા જેવો નથી. અમે આરામથી જમતાં. ઘરની જેમ લૂસ લૂસ ખાઈને ભોજનનો સ્વાદ લીધા વિના ક્યારેય ઊભા નહોતાં થતાં. ખરેખર, જવાબદારી વગરનું ભોજન પણ કેટલું સ્વાદિષ્ટ લાગે! કોઈ વાર દાલ–બાફલા ઝાપટ્યું(દાલ–બાટીના સગામાં થાય), તો કોઈ વાર રબડી ને માલપુડા. કોઈ વાર માવા બાટી જે ગુલાબજાંબુના સગામાં આવે. ચક્કીનો લોટ/આટો ખબર પણ ચક્કીનું શાક! ઘઉંના બાફેલા લોટનાં વડાંને તળીને પછી દૂધમાં પલાળીને કાઢી લેવાય. પછી દહીંના મસાલેદાર રસામાં ઉકાળીને ચટપટું જે શાક બને તે ચક્કીનું શાક! બનાવવામાં બહુ સમય માગી લે પણ તહેવારોની આ ખાસ વાનગી છે.

ખેર, અમને રસ હતો તો છેલ્લે પીરસાતી મીઠી વાનગીમાં. અહીં ખાવામાં શરમ કરવામાં સમય બગાડવો પાલવે તેમ નહોતો એટલે બીજા જ દિવસે ભોજનને અંતે ત્યાં ઊભેલા પીરસણિયાને બોલાવીને અમે પૂછ્યું, ‘આજ મીઠેમેં ક્યા હૈ?’
‘જી ખીર.’
‘આજ ફિર ખીર?’
‘જી નહીં બહેનજી, કલવાલી ચાવલકી ખીર થી આજ બારીક સેવકી ખીર હૈ, લાઉં?’
‘હાં હાં, લાઓ લાઓ.’ અરે ભાઈ તું નેકી કરીને પૂછવા નો માંડ. લાવવા જ માંડ.
જરાક વારમાં તો કટોરા સાફ.
‘અમે પેલા ભાઈને બોલાવ્યો.
‘ઔર ખીર હૈ?’
‘હાં બહેનજી, બહોત હૈ. લાઉં?’
અમે ચારેય હસી પડી ને ઈશારો કર્યો, લે આઓ.
કેટલું ખાધું તે મનમાં વિચારવાનું નહોતું એટલે મન ધરાયું નહીં ત્યાં સુધી ખીરના વાટકા આવતા રહ્યા. રસોડામાંથી બાકીના લોકો પણ અમને છુપાઈને જોતાં ને ખુશ થતાં દેખાયા. એમને કેટલો સંતોષ થયો હશે!
બસ, બીજે દિવસથી જ અમારું સવારે ને સાંજે ભોજનને અંતે પૂછવાનું ચાલુ થઈ ગયેલું, ‘મીઠેમેં ક્યા હૈ?’ ને પછી એકબીજાની સામે ખડખડાટ હસી પડવાનું. આ જ તો જીવનની યાદગાર ક્ષણો હતી જેને આજેય મમળાવવી એટલી જ ગમે છે, ખીર કે ફ્રૂટસેલડ ખાતી વખતે તો ખાસ.
(ભોજન સમારંભ–ગૂગલ તરફથી)