રવિવાર, 10 ડિસેમ્બર, 2017

(૧)તમને શું લાગે છે?................(૨) એમને થોડા સવાલ પૂછજો


‘તમને શું લાગે છે?’
‘શેનું?’
‘શેનું શું? આ ચુંટણીનું.’
‘એ તો થવાની ને ડિસેમ્બરમાં.’
‘હા, તે તો થવાની જ, પણ તમને શું લાગે છે? કોણ આવશે?’
‘તે તો હવે ચુંટણી થયા પહેલાં કેમ ખબર પડે? કોઈક તો આવશે જ ને? નહીં તો ચુંટણીનો મતલબ જ શું?’
‘હા હા, પણ તમને શું લાગે છે, કોણ આવશે?’
‘મને તો એમાં બહુ ગમ ન પડે. જે આવે તે. આપણે તો બધું એકનું એક જ છે. આપણને શો ફરક પડે છે?’
‘આ તમે છે ને, વાતને ગોળ ગોળ બહુ ફેરવો છો. હું ક્યારનો એમ જાણવા માંગું છું, કે તમને શું લાગે છે? કોણ આવશે? તો તમે સીધો જવાબ જ નથી આપતા. કેમ એવું? બે જ તો મોટા પક્ષ છે ને એમાંથી કોઈ એક આવશે. તો એ બાબતે તમને શું લાગે છે? કોણ આવશે? કે કોણ આવવું જોઈ? ને શા માટે?’
‘અરે અરે! તમે તો બહુ આગળ વધવા માંડ્યા. શું લાગે છે પરથી તો કોણ, કેમ ને શા માટે સુધી પહોંચી ગયા!’
‘ચાલો કંઈ નહીં, પહેલાં ફક્ત પહેલા સવાલનો જ જવાબ આપો કે તમને શું લાગે છે?’
‘મેં પહેલાં જ કહયું, કે ચુંટણી થાય ને રિઝલ્ટ આવે પછી જ ખબર પડશે ને કે કોણ આવ્યું. અમસ્તું એમ ધાર ધાર કરવાથી શું થવાનું?’
‘તો પણ...’
‘શું તો પણ?’
‘કોણ આવશે? તમને શું લાગે છે?’
‘ભાઈ, તમે તો હદ કરો છો. ધારો કે, હું એમ કહું કે મને કંઈ નથી લાગતું તો?’
‘એવું તે કઈ રીતે બને? આટલી બધી રસાકસીવાળી ચુંટણી થવાની, કેટલા સમયથી બધે ચુંટણીની જ વાતો ચાલે છે, લોકોએ નાની મોટી બધી વાતોને કે નાના મોટા બધા સળગતા કે ઠરી ગયેલા પ્રશ્નોને પણ બાજુએ મૂકી દીધા છે ને સૌ કોણ આવશેની વાતોમાં મંડી પડ્યા છે, ત્યારે તમે આવું કહો છો તે શોભતું નથી. શું તમને ગુજરાતની ને દેશની જરા પણ પડી નથી? મેં તમને આવા નહોતા ધાર્યા.’
‘એટલે કે ચુંટણીનું જ વિચારીએ ને તેમાં પણ આપણને કંઈક લાગે કે કોણ આવશે, તો જ આપણે રાજ્યભક્ત કે દેશભક્ત કહેવાઈએ? તો જ આપણે ગુજરાતના ને દેશના હિતેચ્છુ ગણાઈએ એવું તમારું કહેવું છે?’
‘છેક એવું તો નહીં પણ જ્યારે બધા જ વાતો કરતા હોય કે કોણ આવશે? શું લાગે છે? ત્યારે મને પણ થયું કે તમનેય ભેગાભેગો પૂછી લઉં કે તમને શું લાગે છે?’
‘ભાઈ મારા, ધારો કે હું એમ કહું કે ફલાણો પક્ષ આવશે તો તમે શું કરશો? તમને ગમતું બોલીશ તો તમે ખુશ થશો ને ન ગમતું બોલીશ તો ગુસ્સે થઈને ચર્ચા કરવા માંડશો એમ જ ને? જુઓ ને, હમણાં આપણે બે શાંતિથી બેઠા છીએ ને થોડી વારમાં મજેથી ચા નાસ્તો પણ કરશું ત્યારે વચ્ચે જો આવી ફાલતુ વાતોએ ઊતરી પડશું ત્યારે પેલા નારાયણ કંઈ નહીં કરે તોય આપણી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ જાય તો તમને ગમે? નાહક શા માટે સુખનો જીવ દુ:ખમાં નાંખો છો? કોઈને પૂછવાનું પણ નહીં ને આપણે વિચારવાનું પણ નહીં, કે તમને શું લાગે છે? સમજ્યા? હવે હું તમને પૂછું કે તમને શું લાગે છે? મારી વાત સાચી છે?’
‘એમ જોવા જઈએ તો તમારી વાત સાચી છે પણ આ છાપાં ખોલીએ કે ટીવી ચાલુ કરીએ ત્યારે માળું વાતો તો એજ બધી જોવા ને સાંભળવા મળે ને? વળી ચેનલોમાં તો આપણો વારોય કોઈ દા’ડો આવી જાય, ખરું કે નંઈ? તો મેકુ આપણો જવાબ તૈયાર હોય તો એમ બાઘા ના લાગીએ. હવે બોલો, ધારો કે મને કોઈ પૂછે કે, તમને શું લાગે છે? તો મારે શો જવાબ દેવો?’
‘ભાઈ, તમે ફરી ફરીને મારી પાસે એક જ વાત કરો છો, તો હવે મને પણ લાગે છે કે...’
‘કે? બોલો બોલો.’

‘કે હવે મારાથી તમારી સાથે કોઈ બોલાચાલી કે મારામારી થઈ જાય તે પહેલાં તમારે અહીંથી જતાં રહેવું જોઈએ. આવજો.’
*****************************************************************************

એમને થોડા સવાલ પૂછજો

બસ, ફક્ત ગણતરીના દિવસોમાં જ કૌન હારા ને કૌન જીતા તે ખબર પડી જશે. આપણે થોડા સવાલ સાથે તૈયાર રહીએ તો લાગતાવળગતાને પૂછીને મનોરંજન મેળવવા ચાલે. એથી વિશેષ આપણાથી શું થઈ શકે? તો પહેલાં જોઈએ વિજેતા ઉમેદવાર સાથે સંભવિત સવાલ–જવાબ.
‘મિ. વિજયકુમાર, જીત બદલ અભિનંદન અને શુભેચ્છાઓ.’
‘અભિનંદન બદલ આભાર અને શુભેચ્છા તો સામેવાળાને આપો. એમને વધારે જરૂર છે.’
‘હવે તમે શું કરવા માગો છો?’
‘હે હે હે...હવે શું કરવાનું? જીતીને તો આવ્યા.’
‘એટલે? હવે તમે કંઈ નહીં કરો?’
‘કેમ નહીં? હવે જ્યાં ને ત્યાં અમારા ભવ્ય વિજયની પાર્ટીઓ કરશું, સરઘસો કાઢશું, આટલા દિવસોનો થાક ઉતારશું અને અમારા હાઈકમાન્ડ રજા આપશે ત્યારે કશેક આરામ કરવા ઉપડી જઈશું.’
‘તો તમે આપેલાં કેટલાંય વચનો? કામની વાતો ને ગુજરાતની જનતાની સાથે રહેવાની વાતો? નકરી વાતો જ હતી? ખાલી ઢંઢેરા જ હતા? લોકો સાથે વિશ્વાસઘાત? જનતા તમને છોડશે નહીં.’
‘હા...હા...તમે જોયું ને? જનતાએ ક્યાં અમને છોડ્યા જ છે? જનતાનો સાથ હતો એટલે જ તો અમે જીત્યા. ભલા માણસ, આ કંઈ પહેલું ઈલેક્શન થોડું છે? હું કંઈ નવાઈનો ઓછો ચુંટાઈને આવ્યો છું? જમાનાઓથી આ જ તો ચાલ્યું આવે છે. અમારો મંત્ર છે, જીતો અને આરામ કરો. વળી પાંચ વરસે ચુંટણી આવશે ત્યારે ઘેર ઘેર ફરશું. ત્યાં સુધી શાંતિથી રહેવા દેજો. જાઓ હવે મારા સૂવાનો ટાઈમ થયો. આવજો.’
‘સાહેબ, બે ચાર સવાલના જવાબ તો આપો. પછી સૂઈ રહેજો.’
‘જલદી બોલો.’
‘તમે સ્વચ્છ સરકાર આપશો?’
‘એટલે?’
‘તમારા પ્રધાનો શિસ્ત જાળવશે? ભ્રષ્ટાચાર નહીં કરે?’
‘જુઓ, તમે વાક્યમાં વિરોધી શબ્દો ના વાપરો તો સારું.’
’અચ્છા, એ કહો કે દેશની પ્રગતિમાં તમે કેટલો ફાળો આપશો?’
‘એ શું બોલ્યા તમે? ફાળો  ને મારે આપવાનો? મારું કામ તો ફાળો ઉઘરાવવાનું.’
‘ધારો કે તમને હાર મળત તો?’
‘એ તો મેં ગળામાં પહેર્યા જ છે.’
‘પ્રજાને કંઈ કહેવું છે?’
‘મારા વિરોધીને ઠેકાણે પાડવા બદલ આભાર. હવે તમે તમારે ઠેકાણે ને હું મારે ઠેકાણે. હવે બસ, આવજો.’
હવે મિ. હારકુમાર સાથેના સંભવિત સવાલ–જવાબ.
‘હવે તમે શું કરવા માગો છો?’
‘કંઈ સમજ નથી પડતી, શું કરીએ ને શું નહીં! અમને એક જ સવાલ પજવે છે કે, આખરે આમ કેમ થયું? પણ છોડો એ વાત. હવે ચિંતન શિબિર જેવું કંઈક કરીશું.’
‘એનાથી શું થશે?’
‘બસ, આ હારનાં કારણો કે પછી દોષનો ટોપલો કોના માથે નાંખવો તેનો જવાબ મળશે.’
‘પ્રજા પાસેથી હવે તમારી શી અપેક્ષા છે?’
‘અમારી બધી અપેક્ષા કાયમ પ્રજા પાસે તો હોય છે. કોણ જાણે ક્યારે પૂરી કરશે?’
‘તમને કોણ નડ્યું?’
‘ભાઈ, હવે એ તો જગજાહેર છે. મારી પાસે વધારે ના બોલાવશો.’
‘તમે જીતી જાત તો સ્વચ્છ સરકાર આપત?’
‘એટલે?’
‘તમે તો બહુ ગામોમાં ફર્યા. આખરે તમને શું મળ્યું?’
‘એ જાણવા મળ્યું, કે બહુ ગામો હજીય બાકી રહી ગયાં.’
‘તમારા નેતા ઉપર તમને બહુ વિશ્વાસ હતો?’
‘અમને તો નહોતો પણ એમને ખુદને બહુ હતો.’
‘લોકોને કંઈ કહેવું છે?’
‘ના, લોકોને તો કંઈ નથી કહેવું પણ હવે તો લોકો કહે તે જ સાંભળવું ને લોકો કહે તે જ કરવું છે. અમે સતત લોકોને મળતાં રહીશું અને સોશિયલ મીડિયાની ચર્ચાઓ ને ગતિવિધીઓ ઉપર પણ નજર રાખશું. અમારે શું કરવું જોઈએ તેની ચર્ચા તો ત્યાં વધારે થાય છે અને એ ચર્ચાઓમાં અમને દમ પણ લાગે છે. હવે પાનના ગલ્લાઓ પર અમને બહુ વિશ્વાસ નથી રહ્યો.’
‘સારું ત્યારે આવજો. હવે પછીના ઈલેક્શન માટે શુભેચ્છા.’
‘ભાઈ, આપો આપો. અમને શુભેચ્છાઓની બહુ જરૂર છે.’
‘લ્યો ભાઈ, ફરી વાર શુભેચ્છા.’
(ખાલી શુભેચ્છાથી શું થાય? કામ કોણ કરશે? તમારા કાકા, મામા, દાદા કે બાપા?)