પટાયા પહોંચ્યાના પહેલા જ દિવસે, હૉટેલમાં ફ્રેશ
થઈને બધાં નીચે ભેગાં થયાં કે, ટૂરના આયોજકો તરફથી ‘સરપ્રાઈઝ ગિફ્ટ’ મળી! ‘આપણે
સૌ હવે અહીંની પ્રખ્યાત મસાજ–સુંદરીઓને મળવા જઈશું. વધુ માહિતી તમને બસમાં મળી
જશે.’ જેના વિશે કોઈની પાસે આછીપાતળી જાણકારી હતી, કોઈની પાસે પૂરેપૂરી જાણકારી
હતી ને અમુક તો તદ્દન અબુધ હતી તેવી સ્ત્રીઓમાં ગણગણાટ ચાલુ થઈ ગયો. અમુકની
નજરોમાં મસ્તી ડોકાતી હતી, અમુકની નજરોમાં સવાલોની હારમાળા અને અમુકની નજરોમાં
ગૂંચવણોનો પાર નહીં. ફક્ત મસાજના નામ પર જો સ્ત્રીઓની હાલત આવી થતી હોય; તો ખરેખર
જ્યારે મસાજનો અનુભવ લેવાનો હશે, ત્યારે એમની હાલત કેવી થશે એ વિચારે મારા મનમાં
ખળભળાટ શરૂ થઈ ગયેલો.
આપણા ભારતમાં પણ મસાજ –માલિશની ક્રિયા તો સદીઓ
જૂની છે. વિષ્ણુ ભગવાન ને લક્ષ્મીદેવીએ તો ચંપીકાળ દરમિયાન મોડેલિંગ પણ કરી
નાંખેલું! બધા ખડતલ દેખાતા ભગવાનો માલિશ વગર આટલા હૅન્ડસમ ના દેખાત. વળી આપણે
ત્યાં તો ઘણી બિમારીમાં, શિયાળામાં ને નાના બાળકોના જન્મ પછી મા–બાળક બન્નેને
માલિશ કરાય છે. એટલે ખરેખર તો, આપણને કોઈને પણ મસાજની નવાઈ કે સૂગ કે એના નામે
કુતૂહલ ના હોવું જોઈએ. છતાં આ આખી ક્રિયાને જુદી જ નજરે જોવાનો ને ધંધો બનાવીને
કમાવાનો જે ટ્રેન્ડ શરૂ થયો છે, તેને લીધે મસાજનું નામ પડતાં સ્ત્રીઓના ચહેરા પર
ઘડીક વારમાં જ પચાસ જાતના હાવભાવ આવી જાય! મને એક જ સવાલ સતાવતો હતો કે, અમને
સ્ત્રીઓને શા માટે મસાજ કરાવવા લઈ જવાય છે?
ખેર, અમારી સ્ત્રીઓની લાં...બી ‘મસાજ–કૂચ’ એક
મોટા મકાન તરફ નીકળી પડી. વારંવાર આવી બધી જગ્યાઓએ, જ્યાં લાઈનમાં જવાનું હોય,
લાઈનમાં ઊભા રહેવાનું હોય, બધાને કોઈ જાતના નંબર કે બિલ્લા કે કાર્ડ અપાતાં હોય
ત્યાં મને અમારી સ્કૂલની ટૂર યાદ આવી જતી. અમે જેવા ત્યાં પહોંચ્યાં કે, અમને વીસ–વીસના
બૅચમાં જુદા જુદા રૂમ પાસે લઈ જવાયા. મોટ્ટા હૉલમાં પથ્થરના પલંગ પર લાઈનસર પથારીઓ
બિછાવેલી. દરેક પથારી પાસે પીળા રંગના યુનિફોર્મમાં એક એક છોકરી ઊભેલી. પંદરથી
પાંત્રીસ વર્ષની યુવતીઓ હશે. હૉલની બહાર રાખેલા નીચા નળ ને નીક પાસે સૌને લઈ જઈને,
સૌનાં ચરણકમળ ધોવાયા! સ્વચ્છ ટુવાલથી કોરા કરાયા ને સૌને માટે ત્યાં રાખેલી સ્લિપર
પહેરાવીને પથારી પાસે દોરી જવાયા.
પહેલેથી જ બધાંને જણાવેલું કે, ‘આ મસાજ તેલ
વગરનો–ઓઈલ ફ્રી મસાજ હશે. વળી, કોઈ ચાર્જ પણ ચૂકવવાનો નથી. તદ્દન ફ્રી! છતાં અહીંની ગરીબીને ધ્યાનમાં રાખીને જો તમે વીસથી
પચાસ રૂપિયા સુધીની ટિપ આપશો તો આ છોકરીઓ રાજી થશે. જો મસાજ કરાવતી વખતે છોકરીનો
હાથ ભારે લાગે તો ‘નક નક’ અને જો બરાબર લાગે તો ‘બાઉ બાઉ’ કહેજો, એટલે એ લોકો સમજી
જશે. ’ (સ્ત્રીઓ આદત મુજબ જે અમસ્તી અમસ્તી ‘વા...ઉ...’ કરતી રહે છે (શિયાળની જેમ)
તે કરે, કે પછી (કૂતરાની જેમ) ‘ભાઉ ભાઉ’
કરી બેસે, તો પણ એ છોકરીઓ સમજી જશે?) જવા દો, મારે ક્યાં મસાજ કરાવવો છે કે
પંચાત? મેં અને પલ્લવીબહેને તો નક્કી કરેલું કે, આપણે પહેલાં જોઈશું કે આ છોકરીઓ
કેવોક મસાજ કરે છે. ઠીક લાગે તો કરાવશું નહીં તો અજબગજબના ખેલ જોઈશું. આમેય આવા
લહાવા વારંવાર નથી મળતા. વગર પાણીના તળાવમાં છટપટાતી માછલીઓ અને એમને જાળમાં ફસાવવા
આતુર પાણીદાર શિકારી માછલીઓ! વાહ! શું અદ્ભૂત નઝારો હશે!
અમે બન્ને તો હૉલમાં એક બાજુએ ઊભા રહી ગયાં.
અમારી સાથે આવેલી સ્ત્રીઓ તો રહી જવાની હોય એમ, વહેલી વહેલી દોડીને પથારીમાં જઈને
લંબાઈ ગઈ. હૉલમાં કોઈ જાતનું હળવું કે મધ્યમ કે પછી બેસૂરું સંગીત સંભળાતું
નહોતું. ત્યાં તો ફક્ત મધ્યમ પ્રકાશ હતો. પેલી છોકરીઓ તો એમની ફરજના ભાગ રૂપે બધી
સૂતેલી રંભાઓના ચરણ ચાંપવા બેસી ગઈ. ઈંગ્લિશના તો ત્યાં ક્લાસ લેવાય તેવું નહોતું,
એટલે ઈંગ્લિશમાં ભારે લચ્છા મરાતા હતા.
કોઈ સ્ત્રી મસાજ કરાવતાં કરાવતાં ઈશારાથી ઘુંટણ
પર જોર આપવા ના કહેતી હતી ને કોઈ કમર પર હાથ મૂકીને ‘સાયટિકા–સાયટિકા’ બોલતી હતી.
કોઈના ખભા પર જોર અપાઈ જતાં હળવી ચીસ સંભળાતી ને કોઈની બોચી કોઈ જાડીપાડી થાઈ
છોકરીના હાથમાં ગભરાતી હતી. અહીંની થાઈ છોકરીઓમાં પણ વિવિધતા હતી. જાડી, પાતળી,
ગોરી, ઘઉંવર્ણી, ખાસ ઊંચી નહીં પણ મધ્યમ ઉંચાઈવાળી અને કોઈ કોઈ છોકરી તો પરદેશી પણ
હતી. જેમાં આફ્રિકન શ્યામા પણ હતી અને એશિયન ઘઉંવર્ણી મલેશિયન કન્યાઓ પણ ખરી.
પેટને ખાતર અઢાર–વીસ વર્ષની બાળાઓ ઘરબાર ને માબાપને મૂકીને ક્યાં ક્યાં જઈ વસી છે!
ને કેવાં કેવાં કામ કરે છે? જે જાડી ને પઠ્ઠી હતી તેની પાસે મસાજ કરાવનારને બીક
લાગવી સ્વાભાવિક હતી, પણ અમને બન્નેને આ જ બધું જોવાની મજા આવી રહી હતી.
લગભગ અર્ધો પોણો કલાક મસાજ ક્રિયા ચાલી. એમાં
ચરણચંપી થઈ, હાથનાં આંગળાંથી માંડીને બાવડાં–ચંપી થઈ. મગજની નસો તણાય એવી કેશખેંચ
ને ટકલામાલિશની ક્રિયા પણ થઈ. અમારી નવાઈ વચ્ચે ત્યાં પોઢેલી રંભાઓ કે મેનકાઓમાંથી
કોઈની ત્યાંથી ઊઠવાની દાનત નહોતી! બે–ચાર જગ્યાએથી તો નસકોરાં પણ સંભળાયાં! પેલી
બધી છોકરીઓ તો અંદરઅંદર વાતે લાગી ગઈ ને ખીખીખી કરતી એમના રેસ્ટરૂમમાં ચાલી ગઈ,
ટિપની કોઈ આશા રાખ્યા વગર કે કોઈ પણ જાતની લાચારી કે દાદાગીરી બતાવ્યા વગર! ભારતીય
સુંદરીઓ જે હળવીફૂલ થયેલી, તે ખુશ થતી થતી બસ તરફ ડગ માંડતી હતી. અમારી મસાજ–ઈચ્છા
અધૂરી નહીં પણ મનમાં જ રહી ગઈ કારણકે બસમાં જવાનું બ્યૂગલ વાગી ચૂકેલું!
કહેવાય છે કે, પુણ્ય કર્યાં હોય તો સ્વર્ગ મળે.
અમને તો કંઈ યાદ નહોતું આવતું કે, અમે કોઈ મોટા પુણ્યના કામ કર્યાં હોય! તોય,
સ્વર્ગમાં જ ફરતાં હોઈએ એવી અનુભૂતિ કેમ થયા કરે છે? જ્યાં જઈએ ત્યાં આનંદ જ આનંદ
નજરે ચડે છે એટલે? કે પછી તદ્દન સ્વતંત્ર હોવાની લાગણી માઝા મૂકી રહી છે? કોઈ
રોકટોક કે સવાલ કે પંચાતની દુનિયાથી દૂર, અજાણ્યો દેશ કદાચ એટલે જ સ્વર્ગ જેવો
લાગતો હશે, કોણ જાણે. મસાજની અધૂરી રહેલી ઈચ્છા પણ પૂરી થવાની ઘડીઓ ગણાઈ રહી હતી! હૉટેલના
રૂમમાં પહોંચીને પલ્લવીબહેને જેવી એમની બૅગ જરા ઝાટકાથી ઊંચકીને મૂકી કે એમના
ખભાનો સ્નાયુ ખેંચાઈ ગયો. ડૉ. હોવા છતાં એ પોતાના ખભાનો ઈલાજ કરી શકવાની હાલતમાં
નહોતાં અને હું કદાચ ઊંટવૈદું અજમાવત પણ એક ડૉ. પર અજમાઈશ કરવાની હિંમત ના ચાલી.
ઘરનાં હોત તો વાત જુદી હતી!
તાત્કાલિક રાહત માટે મસાજ સિવાય કોઈ ઉપાય યાદ ના
આવ્યો. (જગ્યાનો પ્રભાવ!) હૉટેલમાં જ આવેલા મસાજ પાર્લરમાં, પલ્લવીબહેન તો ખભાના
દુખાવા છતાં ખુશી ખુશી પહોંચી ગયાં. ડૉ. ને પણ ભાવતી વસ્તુ વૈદે જ કહેવાની? લગભગ
કલાકના હજાર રૂપિયા, ફી પેટે દાનપેટીમાં નાંખી આવ્યા પછી બહાર આવીને પહેલું વાક્ય
પલ્લવીબહેન શું બોલ્યાં હશે? ‘આના કરતાં તો મારી લક્ષ્મી, મારે ઘેર આવીને પચાહ
રૂપિયામાં હારો મસાજ કરી જાય. આ તો ઠીક મારા ભઈ!’ (બાપ રે! ઈન્ડિયાના દેશી મસાજ
આગળ તો, બૅંગકૉકનો ફલાણો કે ઢીંકણો મસાજ પણ પાણી ભરે?’)
આભાર. મસાજ પાર્લર આવા પણ હશે, તે ખબર ન હતી.
જવાબ આપોકાઢી નાખોહા, અમને પણ નહોતી.☺
કાઢી નાખોमसाजनी वात रसप्रद बनी छे.
જવાબ આપોકાઢી નાખોतमारा प्रवास वर्णन अेवा होय छे, जाणे वांचक प्रवासमां साथे होय !
शैली जकड़ी राखे छे !
अभिनंदन अने आभार.
-रमेश सवाणी
આભાર રમેશભાઈ.
કાઢી નાખોબહુ મઝાની વાત. કોક વાર બેંકકોક જવાનું થશે તો ઓઈલ મસાજનો લાભ લઈશુ; અને સુરત આવવાનું થશે તો લક્ષમીબેન નો લાભ લઈશું,
જવાબ આપોકાઢી નાખોતમે બૅંગકૉક નથી ગયા તે માનવામાં નથી આવતું અને લક્ષ્મીબેન? નો કમેન્ટ્સ:)
કાઢી નાખોvary rare information about very famous and popular activity in
જવાબ આપોકાઢી નાખોb / p tour , your articles are informative and knowledgebale,
- a d aus
આભાર અશ્વિનભાઈ. સ્ત્રીઓની નજરે પ્રવાસના અનુભવો જુદા જ મળવાના.
કાઢી નાખોકલ્પનાબેન,
જવાબ આપોકાઢી નાખોમસાજ લીધા વગર ફક્ત જોઇને આટલું રસમય વર્ણન કર્યું, તમે મસાજ લીધો (કે લીધું?) હોત તો એનું વર્ણન વાંચવાની કેવી મઝા પડત? પ્રવાસ વર્ણન માં તો માસ્ટરી છે તમારી એ વાત માનવી પડે હોં.
આભાર પલ્લવીબેન. હવે બીજી વાર...
જવાબ આપોકાઢી નાખો