સાહિત્યજગતમાં ચાલી આવતી પરંપરા પ્રમાણે વરસાદની ઋતુમાં જેટલી કવિતાઓ લખાય છે એટલી બીજી મોસમમાં લખાતી નથી. કવિઓનું તો કામ છે કવિતાઓ લખવાનું પણ બાકીનાઓએ વરસાદમાં શું કરવું ? વરસાદ ભલે ને હોય કે ન હોય પણ એનું નામ તો મનમાં ખરું ને ? એટલે વરસાદના નામે જ્યારે તમે ઘરમાં ભરાઈ રહો, ત્યારે સમય પસાર કરવા સૌને કામ આવે તેવું વરસાદી ભેટ તરીકે પુસ્તકોનું એક લિસ્ટ આપું છું. જોકે, તમે હવે પુસ્તકો નથી વાંચતાં મને ખબર છે પણ કદાચ નામ વાંચીને પુસ્તક વાંચવાનું મન થઈ જાય ને એ બહાને વરસાદની કે તેના આભાસની મજા માણવાનું મન થઈ જાય !
અમારો વરસાદ : ‘અમારે ત્યાં તો આટલી ગરમી ને તમારે ત્યાં તો ભયંકર ગરમી બાપ !’ જેવી ‘અમારે ત્યાં તો સાવ આવો ને તમારે ત્યાં કેવો મજાનો વરસાદ ?’ જેવી ચોમાસાની મસાલેદાર, ચટપટી ને સેં.મી.ના અહેવાલવાળી વાતોનું પુસ્તક.
વરસાદનો સાક્ષાત્કાર : વરસાદ એટલે સ્વયં ભગવાન.
વરસાદ ખૂબ રાહ જોવડાવીને આવે ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થયા જેવી લાગણી ઘણાંને
થાય ! આ બધી લાગણીઓના સરવાળા ને ગુણાકાર જાણીતા સાહિત્યકારની કલમે તમે પણ કરો.
થીજી ગયેલો વરસાદ : આ પુસ્તકમાં બરફના કે કરાંના
વરસાદની વાત નથી પણ વાદળમાંથી છૂટીને સીધો ધરતી પર ઝીંકાવાને બદલે, કોઈ આઘાતને
કારણે અચાનક જ, અધવચ્ચે જ થીજી ગયેલા વરસાદની આમાં રસઝરતી વાતો છે.
વરસાદની બોલબાલા : વરસાદે પોતે નક્કી કરવાનું છે
કે, એણે ગાળ ખાવી કે વાહવાહ મેળવવી ? સારો વરસાદ પડે તો બધે એની જ બોલબાલા થવાની
એમાં કોઈ શંકા નથી. ભવ્ય ભૂતકાળના સારા વરસાદોની જીવ બાળે એવી આંકડાકીય માહિતી
મેળવવા વાંચો.
વર્ષાસંગ્રહ : કોઈ દિલચસ્પ વાર્તાસંગ્રહની જેમ,
આમાં વરસાદના પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકાય એની વિવિધ રીતો સાથે, આખું વર્ષ
પાણીના કકળાટ વગર કે તરફડાટ વગર શાંતિથી કઈ રીતે કાઢી શકાય તેની વાંચેલી પણ
જીવનમાં ન ઉતારેલી વાતોનો સંગ્રહ.
આટલો બધો વરસાદ ? : વરસાદનાં સપનાં જોઈ જોઈને
થાકેલાં ને થોડામાં ઘણું સમજીને રાજી રહેનારાઓની વાત કહેતું પુસ્તક.
વરસાદને થાક લાગ્યો છે : માનવામાં ન આવે ને
મગજમાં ન ઊતરે એવાં કારણો વાંચીને તમારું બ્લડપ્રેશર વધી જશે. છતાંય, વરસાદને પણ
થાક લાગે ? એ વિચારને મનમાંથી કાઢવા માટે પણ આ પુસ્તક વાંચવું રહ્યું.
તૂટેલો એક વરસાદ : આમાં થાકથી તૂટી જવાની વાત
નથી પણ તૂટી પડવાની, શત્રુને ખતમ કરવાની કે ઊંઘમાંથી સફાળા બેઠાં કરીને દોડતાં કરી
દેવાની, વરસાદી વૃત્તિની વાત છે.
વરસાદપચીસી : વરસાદને લગતી પચીસ રસઝરતી
વાર્તાઓનો અનોખો સંગ્રહ. શ્રાવણ મહિનામાં ભેટ આપવા લાયક પુસ્તક.
વર્ષાભીના અક્ષર, વાદળના પ્રદેશમાં, માટીની
સુગંધનો દરિયો : આ બધા બાળવાર્તાઓના ટચૂકડા સંગ્રહો છે. બાળકો વરસાદમાં બહાર રખડવા
ન જાય એટલા ખાતર પણ એમને જ્યારે ઘરમાં ગોંધો ત્યારે અત્યંત ઉપયોગી બનતાં પુસ્તકો.
વરસાદનું સ્થળાંતર : વરસાદ છાંટણાં રૂપે, ધાર
રૂપે, ધોધ રૂપે ને વિકરાળ રૂપે અહીંથી ત્યાં બધે ફર્યા જ કરતો હોય. એક જગ્યાએ ન
ટકનારા વરસાદના સ્થળાંતરની મધુર વાતો. અફલાતૂન સંગ્રહ !
વરસાદને વરસાદ તરીકે જુઓ : માણસને કેટલીક ખરાબ
ટેવો હોય છે. તેમાંનીએક ટેવ તે, જે વસ્તુ જેવી હોય તેવી ન જોવી કે ન સ્વીકારવી.
અદ્ભૂત સલાહોનો અનન્ય સંગ્રહ.
વરસાદનાં પગલાં : વરસાદ જ્યારે ધરતી પર એના
છાંટારૂપી પગલાં મૂકે છે ને પછી જ્યાં ને ત્યાં એની જાતજાતની છાપ છોડતો જાય છે,
તેની ડગલે ને પગલે આનંદ આપતી કે જીવનભર ચચરાવતી વાતોનો એકમેવ સંગ્રહ.
વરસાદમાં હોવું એટલે : આ પુસ્તક પ્રેસમાં છે.
પલળી જવાની બીકે ચોમાસા પછી બહાર પડશે. નહીં તો, હતું ન હતું થઈ જશે !
અને છેલ્લે, વરસાદમાં એક નવું જ અનોખું પુસ્તક
બહાર પડ્યું છે, ‘વરસાદની લપ્પન–છપ્પન !’
વરસાદમાં એક નવું જ અનોખું પુસ્તક બહાર પડ્યું છે, ‘વરસાદની લપ્પન–છપ્પન !’
જવાબ આપોકાઢી નાખોWah Wah !!!
લેખ વાંચતા વાંચતા ભિંજાય ગયો.
જવાબ આપોકાઢી નાખોmane methini bhaajinaa thepla ane lila masalani cha pivaanu man thay chhe !
જવાબ આપોકાઢી નાખોસૌનો આભાર. વરસાદની રાહ જોવામાં ‘બળેલા જીવ’ની વ્યથા.
જવાબ આપોકાઢી નાખોસરસ નિબંધ થયો. "વરસાદમાં કવિતા કરવા સિવાય કઈ સુજે છે ?" એ સવાલનો મારે જવાબ આપવાનો હોય તો કહું કે : હા. ભજીયા ખાવાનું સુજે છે .........
જવાબ આપોકાઢી નાખોબસ, ઘરમાં ઓર્ડર કરો એટલી વાર !
કાઢી નાખો