પ્રી–મોન્સૂન એટલે કે ચોમાસા પહેલાં અને કામગીરી
એટલે નોકરી કે ચાકરી ! મોન્સૂન આવવાના લગભગ મહિના કે બે મહિના પહેલેથી જેના ઢોલ
વાગવા માંડે અને ભોળી પ્રજાને જે રીતની બાંયધરી અપાય તે જોઈને તો લાગે કે, જાણે આ
કામગીરી કરવાવાળા મોન્સૂનમાં તો પ્રજાને કોઈ તકલીફ પડવા જ નહીં દે ! શહેરના ને
દરેક ગામના દરેક રસ્તા ખાડા કે ખાડી વગરના થઈ જશે. કશે ધૂળ નહીં હોય એટલે કાદવ જ
નહીં થાય. ફૂટપાથો, રાહદારીઓને ચાલવા માટે ખુલ્લી કરી દેવાશે ને ગરનાળાં મરનાળાં
નહીં બને. જૂના મકાનોને નોટિસ અપાશે કે ખાલી કરાવાશે કે પછી સરકારની જેમ ટેકા આપીને
મુદત લંબાવાશે. લાઈટ ને ટેલિફોનના વાયરો નહીં કપાય ને જો કપાય તો બીજે દિવસે
જાહેરમાં માફી મગાશે અથવા તુરંત જોડાણ માટેની ચોવીસ કલાક કામગીરીની બાંયધરી અપાશે,
જેથી પ્રજા એમની બાંય કે કૉલર ના ધરી લે ! એમ તો આ બધી સેવાઓનું લિસ્ટ લાંબું થાય
એમ છે; કારણકે પ્રજાની, કામ કરતી સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે અને તે ઘટવાને
બદલે વધતી જ રહે છે.
પ્રી–મોન્સૂન કામગીરીનાં આશ્વાસનો વાંચીને તો એમ
જ થાય કે, આ ચોમાસામાં તો વરસાદને ભલે ને પડવું હોય તેટલો પડે, આપણે તો આપણી મેળે
આરામથી જ પણ સમયસર ઘરેથી નીકળવાના ને આરામથી ઘરે પહોંચવાના. ટ્રાફિક તો કશે
અટકવાનો નહીં ને બસ કે ટ્રેન તો મોડી પડવાની નહીં એટલે આપણે ચૂકવાનાં જ નહીં.
કાદવમાં તો દર વરસની જેમ આપણે લપસવાનાં નહીં ને ખાડામાં પણ દર વરસની જેમ પડવાનાં
નહીં ! કેટલું બધું ટેન્શન ઓછું ? ટેન્શન ફ્રી રહેવાને લીધે ઘરમાં કેટલી શાંતિ ? ઘરમાં
અડધા ઉપરની કચકચ તો વહેલા થયાં ને મોડાં પડ્યાંની ને કપડાં ગંદાં થયાં કે કાદવના
ડાઘા ન નીકળવાની જ હોય ને ? આહાહા ! દરેક ઘરની ખુશીનું કારણ પછી તો આ પ્રી–મોન્સૂન
કામગીરી જ બની રહે ને ?
જોકે, આ લોકોની આટલી સુંદર ને વ્યવસ્થિત કામગીરીની
બહુ જ અવળી અસર અમુક ધંધાવાળાને પડવાની ખરી ! પણ તેમાં કોઈ કે આપણે શું કરી શકીએ ?
લોકોનું હિત જોવા જાય કે અમુક ગણેલીગાંઠેલી કંપનીઓનું હિત જોવા જાય ? આ લોકોની
કામગીરીને કારણે સાબુ ને ડિટરજન્ટ કંપનીવાળા તો વગર સાબુએ ધોવાઈ જ જાય ને ?
જાહેરખબરોમાં સતત કાદવવાળા કપડાં બતાવી બતાવીને, સાબુ ને પાઉડર વેચવાવાળા શું કરી
શકે જ્યાં કોઈનાં કપડાં જ ગંદાં ન થયાં હોય ? કોઈની ગાડી કે સ્કૂટર પણ કાદવમાં કે
ખાડામાં નહીં ફસાય એટલે પેલી સુષમા ને રેખા કે જયા ને મમતા શું કરશે ? નવરી જ પડી
જશે ને બિચારીઓ ? સાબુની વિશ્વસનીયતા પછી લોકોના દિલોમાં જગવવાના કોઈ નવા જ ઉપાયો
એમણે વિચારવા પડશે.
ચોમાસા પહેલેથી જ જો આટલી બધી તકેદારી રખાશે તો
પછી ચોમાસાનું મહત્વ નહીં ઘટી જાય ? શું ગંદાં, પાણી વગરના ખાડાને અભાવે કોઈને
ચોમાસામાં મચ્છર નહીં કરડે ? લારી–ગલ્લાનું આરોગ્યપ્રદ ખાવાનું ખાઈને કે જાહેર
નળોનું સ્વચ્છ પાણી પીને કોઈ માંદું નહીં પડે ? તો તો પછી મોટી મુસીબત થવાની.
ચોમાસામાં શહેરનાં ને ગામોનાં, દર્દીઓથી ઉભરાતાં દવાખાનાં કે આરોગ્યધામો કે હૉસ્પિટલોનું
પછી કોણ બેલી ? જ્યાં કશે પણ માખી કે મચ્છર જ નહીં હોય તો દવાની દુકાનોવાળા નવરા
બેઠાં કોને મારશે ? હાડવૈદો કોનાં હાડકાં જોડશે કે બેસાડશે ? શું ફક્ત સ્વચ્છતા જ
આટલા બધા લોકોના પેટ પર લાત મારશે ?
પ્રી–મોન્સૂન કામગીરીનાં આશ્વાસનો કે ભ્રામક
અહેવાલો વાંચીને બહુ ખુશ થવા જેવું નથી. કારણકે પહેલા જ વરસાદમાં એટલી તાકાત રહેલી
છે કે, ભલભલા લોકોની પોલ એ ખોલી શકે. એક જ સપાટે બધાં ગપ્પાંબાજોને ઉઘાડાં કરી
દેવાની ને શરમથી લથબથ કરી દેવાની તાકાત પહેલા વરસાદમાં છે. ન માનતાં હો તો શહેરમાં
કે ગામમાં એક જ ચક્કર મારી આવો. મચ્છરનાં ઢીમા વગર કે કાદવના છાંટા વગર જો પાછા
ફર્યાં તો આખું ચોમાસું તમે એવા જ રહેવાના.
પેલા દાવા કરવાવાળાઓ તરફથી કેટલાક ખાનગી સવાલો
ને જવાબો જાણવા મળ્યા છે.
‘મિ. ફલાણા, ફલાણા ને ફલાણા.. મારી કૅબિનમાં
આવજો તો જરા. અર્જન્ટ મિટિંગ છે. વહેલા આવજો.’
‘જી સાહેબ.’
‘આપણે તો ખાળે ડૂચા મારેલા ને ?તો પછી કેમ બધે
પાણી પાણી થઈ ગયું ?’
‘સાહેબ, એ તો એવું છે ને કે..ખાળે ડૂચા મારવામાં
કોઈએ દરવાજા મોકળા કરી દીધેલા તે કોઈના ધ્યાનમાં જ નહીં.’
‘હવે શું કરશું ?’
‘સાહેબ, હવે દરવાજા બંધ કરીને ખાળાના ડૂચા કઢાવી
લઈશું.’
હેલ્થ ડિપાર્ટમેન્ટમાં પણ ધમાલ થઈ જાય.
‘આખા શહેરમાં મચ્છર મારવાની દવા છંટાવેલી તોય
મેલેરિયાના કેસ કેમ એકદમ વધી ગયા ?’
‘સાહેબ, પહેલા વરસાદમાં જ બધી દવા ધોવાઈ ગઈ ને
મચ્છરો તો તમે જાણો છો કે, કેટલા અડિયલ હોય છે ! (અમારા જેવા જ.) આજકાલ તો
ભેળસેળવાળી દવાનેય નથી ગાંઠતાં તો...’
પેલી બાજુ, ફૂટપાથ ખાલી કરાવવાના મામલે
ગરમાગરમી.
‘આ ફેરિયાઓ કેમ હજી અહીં જ ગોઠવાયા છે ? તેમને
એક વાર કહે તે સમજાતું નથી ?’
‘સાહેબ, જુઓ તો. ફૂટપાથો તો ખાલી જ છે. એ તો
રસ્તા પહોળા કર્યા છે તે, રસ્તાને કિનારે એ લોકોને બેસવાની છૂટ આપી છે.’
જોયું ? આપણે તો મોન્સૂન કે પ્રી–મોન્સૂન બધું
સરખું જ. જેમ રાજ ચાલે એમ ચાલવા દો. ચોમાસામાં લોકોને સમય પસાર કરવા માટે કે
જાતજાતની વાર્તા કરવા માટે પણ કંઈક મસાલેદાર જોઈશે તો ખરું ને ? રોજ જ એકસરખી
વાતોમાં શી મજા પણ રહે પછી ? હજી તો ચોમાસું આવીને બેઠું છે, એ નિરાંતે બેસે ને
વાજતેગાજતે ઊઠે ત્યાં સુધીમાં તો કંઈ કેટલીય કથાઓ રચાશે ને વરસોવરસ કહેવાતી રહેશે.
એ બધી મહેરબાની તો આખરે પેલા પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓની જ ને ?