રવિવાર, 8 ફેબ્રુઆરી, 2015

મારો સહપ્રવાસી

એક વિમાનયાત્રાના બે સહપ્રવાસીઓમાં, એક જાણીતો સિનેસ્ટાર હતો ને બીજો દેશનો ટોચનો ઉદ્યોગપતિ હતો. વિમાન ઊપડ્યાના અડધો કલાક પછી પણ જ્યારે પેલા ઉદ્યોગપતિએ પેલા સ્ટાર સામે જોયું સુધ્ધાં નહીં, ત્યારે ઘવાયેલા અહમને બાજુએ મૂકીને સ્ટારે ઉદ્યોગપતિ તરફ જોઈ પોતાની ઓળખાણ આપી. ‘મિ. ફલાણા, હું મિ. ફલાણાકુમાર. વન ઓફ ધ ટૉપ થ્રી સિને સ્ટાર્સ.’ ‘ગ્લૅડ ટુ મીટ યુ પણ સૉરી, હું ફિલ્મો નથી જોતો.’ પેલા સિને સ્ટારની હાલત તો કાપે તોય લોહી ના નીકળે એવી જ થઈ હશે ને ? ખેર, મામલો હવામાં ઊડી ગયો ને વાત ભૂતકાળ બની.

કશેક વાંચેલી આ વાત પરથી મને પણ મનમાં ચટપટી તો હતી જ કે, મારી બાજુમાં કોણ આવશે ? પુરુષો વિશે એવું સાંભળેલું કે, તેઓ સહપ્રવાસી તરીકે સુંદર સ્ત્રીનું સપનું જુએ છે. મારે તો એવું કોઈ સપનું જોવાનું નહોતું. સુંદર સ્ત્રી જો આવી તો મોં ચડાવીને બેસી રહેશે ને મારા પ્રવાસની મજા મરી જશે. ને જો કોઈ વાતોડિયણ આવી તો મારું માથું ખાઈ જશે. છતાંય મનમાં તો હતું કે, અમિતાભ બચ્ચન કે શાહરુખ, સલમાન, કે સૈફ–આમીરમાંથી એકાદ ખાન આવી જાય તોય આપણો પ્રવાસ તો યાદગાર જ બની જવાનો છે. એ લોકોને ટાઈમ ના હોય તો ક્રિકેટર પણ ચાલે. હાલમાં જ બધી મેચો જોવાને લીધે બધાને ઓળખતી પણ હતી ! બફાટનો તો પ્રશ્ન જ નહોતો. બસ, પછી તો મરીમસાલા છાંટેલી કેટલીય વાતો દિવસો સુધી ચાલ્યા જ કરે ને આપણો તો વટ પડી જાય.

મારા આશ્ચર્ય વચ્ચે મેં દૂરથી શાહરુખ ખાન જેવા કોઈકને જોયો. લે, ડુપ્લિકેટ પણ પ્લેનમાં ફરતા થઈ ગયા ? હું તો રોમાંચિત થઈને મારી સીટ પર ઊંચીનીચી થવા માંડી. મારી બાજુમાં એનો સીટ નંબર હોય તો સારું. દૂરથી સ્ટાઈલ મારતો ને કોઈ એને જુએ છે કે નહીં, તેનું ધ્યાન રાખતો S K  મારી સીટ નજીક આવીને અટક્યો. મારા હૃદયના ધબકારા વધી ગયા. મેં મારી બાઘાઈ, ગભરાટ, આશ્ચર્ય ને આનંદના ભાવોને છુપાવતાં એની સામે જોયું. મારી સામે ગાલમાં ખાડાવાળી સ્માઈલ આપી, પોતાની બૅગ ગોઠવી એ તો સીટમાં ગોઠવાયો ! ને મારા મનમાં તો ખલબલી શરૂ. ‘વાહ !   S K મારી બાજુમાં ? ઓહ ! વાહ ! શી વાત કરું ? કેવી રીતે કરું ? શું પૂછું ? સ્માઈલ આપી છે એટલે બોલશે તો ખરો ને ? પણ જરા થોભી જાઉં. પાંચ–છ કલાકનો પ્રવાસ છે. શાંતિથી વાત કરું, નહીં તો કંટાળીને સીટ બદલી નાંખશે.’

મેં હજી સુધી એને કળાવા નહોતું દીધું કે, હું એને ઓળખું છું. એટલે, એને ભાવ આપું કે પછી પેલા ઉદ્યોગપતિ જેવું કરું ? કદાચ હું એને મારી ઓળખાણ આપું ને કહું કે, ‘હું ગુજરાતની ઓછી જાણીતી હાસ્યલેખિકા છું.’ તો એને મન શો મોટો ફેર પડી જવાનો છે ?  કહેશે કે, ‘સૉરી, મને ગુજરાતી વાંચતાં નથી આવડતું.’ તો ? પ્લેનમાં મને પાણી તો મળી રહેશે પણ મારા માપની ઢાંકણી ક્યાંથી લાવવી ? રે’વા દો. ઓળખાણ આપ્યા વગર જ અમસ્તી વાત શરૂ કરું. બિચારો ક્યારનો સીટમાં ઊંચોનીચો થઈને મારી સામે ત્રાંસી આંખે જોયા કરે છે. મેં એને માન આપતાં કહ્યું, ‘ હલો....શાહરૂખજી ! આપ કૈસે હૈં ?’ ‘ઓહ, હલો ! અલ્લાહકી મેહરબાનીસે ખૂબ મજેમેં હૂં. આપ કૈસી હૈં ? ઔર આપકા શુભ નામ ક્યા હૈ ?’ મનમાં ને મનમાં એ ‘આન્ટીજી’ શબ્દ ગળી ગયો તે મને ગમ્યું. મેં મારું નામ કહ્યું કે, એ આદત મુજબ ક પર અટકીને હકલાતાં બોલ્યો, ‘કક...કક..કલ્પના દેસાઈ ? ગુજરાતીમેં લિખતી હૈં વોહી ? ધ ફેમસ હ્યુમરિસ્ટ ?’

મેં તો હા પાડતાં પાડતાં મારી ખુશીને જેમતેમ રોકી. હાથ પર ને ગાલ પર ચૂંટી ખણી જોઈ. (મારા જ ને ?) કાન આમળી નાંખ્યો.( તે પણ મારો જ.) ક્યાંક હું સપનામાં તો નથી ને ? આ વળી ક્યારથી ગુજરાતી વાંચતો થઈ ગયો ? કંઈ કહેવાય નહીં આ સ્ટારોનું. એકાદ ગુજરાતી ફિલ્મમાં હીરો બન્યો હશે તો ગુજરાતી શીખી લીધું હશે ને એમાં મારા કોઈ હિતેચ્છુએ એને મારું એકાદ પુસ્તક પકડાવી દીધું હશે. ચાલો, જે થયું તે સારું જ થયું. આને બહાને પણ એકાદ બે કરોડ લોકો ગુજરાતી વાંચતાં તો થશે ! પછી તો, એ મારા લેખોના વખાણે ચડ્યો ને મેં એની ફિલ્મોની ને એની હાજરજવાબીની ભરપેટ પ્રશંસા કરી. (કેમ ન કરું ?)

પાંચ કલાક તો વાતોમાં ક્યાંય નીકળી ગયા. એણે મને એનું કાર્ડ આપ્યું. ‘જ્યારે મરજી થાય, તમે ફૅમિલી સાથે મારા ઘરે કે શુટિંગમાં પણ આવી શકો છો.’ મેં પણ એને ઉચ્છલની ૦% પોલ્યુશનવાળી હવામાં હવાફેર કરવાનું દિલથી આમંત્રણ આપ્યું. ગામડાની વાતો એને સ્પર્શી ગઈ અને એણે વચન આપ્યું કે, એ જરૂર આવશે. અમારી શુભ યાત્રા ખરેખર આનંદયાત્રા બની ગઈ હતી. સિંગાપોર આવવાની ઘડીઓ ગણાઈ રહી હતી. એરપોર્ટ પર વહેલા પહોંચવાનું હોવાથી શાહરૂખ દરવાજાની નજીકની સીટ સુધી પહોંચી ગયો હતો ને હું બંધ આંખોએ, મનોમન મલકાતી સહપ્રવાસીની વાતો મમળાવી રહી હતી.

અચાનક જ મને લાગ્યું કે, કોઈ મને બોલાવી રહ્યું છે. આંખો ખોલીને જોયું તો, એરહોસ્ટેસ મને પ્લેનમાંથી ઊતરવા વિનંતી કરી રહી હતી. તો શાહરૂખ ખાન ક્યાં ગયો ? મેં સપનું જોયું ? ઓહ્હો ! આવું જ સપનું આવવાનું હતું તો અમિતાભ બચ્ચનનું જ આવવું જોઈતું’તું ને ? નક્કામું શશ..શ.. શાહરૂખ સાથે માથું દુખવ્યું. ક્યાંક શુભેચ્છા મોળી પડી, બીજું શું ?

(‘ચાલતાં ચાલતાં સિંગાપોર’ પુસ્તકમાંથી સાભાર.)

13 ટિપ્પણીઓ:

  1. વાહ ! બહુ જ સરસ !! બહુ ગમ્યું !!!
    મુકવા માંડો એક પછી એક પ્રકરણ વારા ફરતી.. પછી આપણે એની એક ઈ.બુક કરી દઈશુંં
    કરો કંકુના...
    ધન્યવાદ..
    ..ઉ.મ..

    જવાબ આપોકાઢી નાખો
  2. કલ્પનાબેન, તમારી કલ્પના ખુબ સરસ છે. એક દિવસ એવો પણ આવે જ્યારે નરેંદ્ર મોદી તમારી બાજુમા પ્રવાસ કરે. [અરે, સપનામા નહી, ખરેખર] એવી શુભેચ્છા!
    પલ્લવી. :)

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. અરે વાહ ! ત્યારે તો મારે અહીં લખવાની પણ જરૂર નહીં પડે !
      આભાર.

      કાઢી નાખો
  3. What happened to your " Creativity " ? Stale food is not meant to be consumed. No disrespect is meant.
    V.B.Ganatra.

    જવાબ આપોકાઢી નાખો
  4. શ્રી ગણાત્રાજી,
    તમારી લાગણી અને શુભેચ્છા બદલ આભાર.
    આ પુસ્તકને જ્યોતીન્દ્ર દવે પુરસ્કાર મળ્યો છે અને ખૂબ વખણાયું છે.(આત્મપ્રશંસા નથી.) બીજી આવૃત્તિ પણ થઈ.
    વિચાર્યું કે, બ્લૉગના વાચકો માટે પણ મૂકું. જસ્ટ એક વિચારને મમળાવ્યો હતો અને લોકોના માનસને છતું કરવાનો પ્રયત્ન કર્યો હતો. બાકી નીચે ઊતરવાનો કે સસ્તું પીરસવાનો કોઈ આશય નહીં. જ્યાં તમને લાગે ત્યાં ચોક્કસ સિગ્નલ બતાવી દેશો.
    આપનો આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  5. ‘ગુજરાતીમેં લિખતી હૈં વોહી ? ધ ફેમસ હ્યુમરિસ્ટ ?’
    i enjoyed.
    Rajnikant Shah

    જવાબ આપોકાઢી નાખો
  6. vah ! bahu saras lekh. marak marak thavay evo.
    Sandhya Bhatt

    જવાબ આપોકાઢી નાખો
  7. Simple...straight forward...every story is new..innovative and fresh...As usual,
    I liked this also.

    જવાબ આપોકાઢી નાખો