રવિવાર, 16 નવેમ્બર, 2014

જે આ લેખ વાંચશે તે....


મથાળું વાંચીને વિચારમાં પડી ગયા ને ? અને....જાતને જ સવાલ પૂછવા માંડ્યા ને ? કે, જે આ લેખ વાંચશે તે શું ? તે પાગલ થઈ જશે ? મૂંગો–બહેરો બની જશે ? લેખ વાંચીને પેપર ફાડી નાંખશે ? કે લેખ વાંચીને પેટ પકડીને હસ્યા જ કરશે ?(આવું વિચારવાની મને છૂટ આપો !) સીધો જનસત્તાની ઓફિસે ફોન કરશે ? ને બરાડા પાડીને પૂછશે કે, કેમ આવા લેખ છાપો છો ? ઘરમાં હશે તો ઘરની બહાર દોડી જશે ને રસ્તા પર કે બીજી કોઈ જગ્યાએ હશે તો સીધો ઘરની વાટ પકડીને ઘરમાં ભરાઈ જશે ? બધું બહુ જાતજાતનું વિચારી વિચારીને પાગલ થવા કરતાં મને પૂછો અથવા લેખ જ આગળ વાંચી લો ને ભાઈ !

‘જે આ લેખ વાંચશે તેનું કલ્યાણ થશે ને નહીં વાંચે તેને અંબે માના સોગન છે ! કાળકા માના સોગન છે ! બાકી બધી માતાના પણ સોગન છે !’
‘અરે ભાઈ, કેમ પણ ? મેં શું કર્યું કે આમ બધાને સોગન આપવા પડે ?’
‘બસ કંઈ નહીં. આ લેખની હજાર કૉપી કાઢીને બધે વહેંચી દો નહીં તો....‘
‘હેં ? નહીં તો શું ?’

‘નહીં તો, તમારા પર આ બધી માતાનો કોપ ઊતરશે ને તમારું ધનોતપનોત નીકળી જશે. તમારા બધા પૈસા તમારી પત્ની ને બાળકો ઉડાવી મારશે. તમારા સાસરાવાળા તમારે ત્યાં ધામા નાંખી દેશે. તમારે ત્યાં કામ કરવાવાળા રજા પર ઊતરી પડશે. તમારે ઓફિસમાં ઓવરટાઈમ કરવો પડશે. સમજી લો ને કે, દુનિયામાં જેટલાં દુ:ખ ને જેટલી તકલીફો છે તે બધી તમારા પર તૂટી પડશે જો.....’

‘હા હા બાપા, સમજી ગયો. આ લેખની વાંચ્યા પહેલાં જ હજાર કૉપી કાઢીને મારે વહેંચી દેવાની છે એમ ને ? પણ મારે જ શું કામ ? કેમ, પ્રેસમાંથી કૉપી કાઢવાની ના પાડી ? ને ફક્ત આ જ લેખની કે પછી આખા ને આખા છાપાની જ હજાર કૉપી દરેક વાચકે કાઢવાની છે ? છાપું વેચવાનું કે છાપવાનું આ નવું ગતકડું કાઢ્યું છાપાવાળાએ ? ભાઈ એ અમને કેવી રીતે પોસાય ? ને આમ છાપાની કૉપીઓ કાઢવાનું કામ અમારું છે ? જાઓ ભાઈ, એ દમદાટી કે ધમકી બીજાને આપજો. અમારે તો છાપું વાંચવા સાથે મતલબ. અમને જે ગમે તે લેખ પણ વાંચશું ને નહીં ગમે તો છાપાનો ડૂચો પણ વાળી દઈશું, અમારી મરજી. આમ ભગવાનનું નામ આપીને ધમકાવો નહીં.’

‘ચાલો રહેવા દો. જોઈ લીધા તમને. તમે તો કહ્યું માનવાને બદલે માથું ખાવા મંડ્યા ને જીદે ચડી ગયા. કેટલા સવાલ પૂછી માર્યા ? રહેવા દો, એ તમારું કામ નહીં. જો હમણાં તમને એવું કહીએ કે, ‘જે આ લેખ વાંચશે તેના પર અંબે માની કૃપા થશે. કાળકામાતા ને બહુચરમાતા ને બાકીની બધી માતાઓ પણ તમારા ઉપર આશીર્વાદ વરસાવવા ધક્કામુક્કી કરશે તો ? તો તમને ગમશે કેમ ? તો પછી આ લેખની શું, આખા ને આખા છાપાની હજારો કૉપીઓ કઢાવવા તમે દોડી વળશો એમાં ના નહીં. જે આ લેખ વાંચશે તેના ઘરે કોઈ દિવસ ડૉક્ટર કે વકીલ મહેમાન પણ નહીં બને. તેને ફટાફટ નોકરીમાં પ્રમોશન મળી જશે. કુંવારા હશે તો ચોકઠું ગોઠવાઈ જશે ને પરણેલા હશે તો કંઈ કહેવાનું નથી. (ચોકઠું વહેલું આવી જશે.)’

જેણે જેણે આ લેખ વાંચ્યો છે તેને કોઈ દિવસ પેટમાં નથી દુખ્યું. કેમ ? કારણકે, હસતી વખતે દર વખતે એણે પોતાનું પેટ પકડી રાખેલું. જેણે આ લેખ વાંચ્યો તેને તે દિવસે ભૂખ નહોતી લાગી. કેમ ? હસી હસીને એનું પેટ ભરાઈ ગયેલું. જેણે આ લેખ વાંચ્યો તેના પુણ્યના ખાતામાં, જમાનું ખાતું ઉભરાઈ ગયેલું. કેમ ? એણે એ લેખ બીજા દસ જણને વંચાવેલો. જેણે આ લેખ વાંચ્યો તેના ઘરમાં તે દિવસે પરમ શાંતિનો મહોલ હતો. કેમ ? લેખ વાંચ્યા પછી કંકાસ કરવાનો કે ઝઘડવાનો એનો બિલકુલ મૂડ નહોતો. કોઈએ લેખ વાંચ્યો તો તેનું બ્લડ પ્રેશર નોર્મલ થઈ ગયેલું અને શુગર પણ કંટ્રોલમાં થઈ ગયેલી. કેમ ? તો લેખ વાંચીને એણે પ્રસન્ન ચિત્તે ભોજન કરેલું અને પ્રમાણસર ખાધેલું. બીજા એક જણે આ લેખ વાંચેલો તો તેને શાંતિથી ઊંઘ આવી ગયેલી. કેમ ? ભઈ આનો જવાબ તમે જ આપી દો ને, બધા જ જવાબ મારે આપવાના ? ચાલો તો પછી, માની ગયાને લેખના પરચાને ? હવે તો છપાવશો ને આ લેખની હજાર કૉપી ?’

‘ભઈ, આ લેખની તો હજારો કૉપીઓ એમ પણ નીકળી જ ચૂકી છે તો હવે મારે શું કામ ?’
‘સારું ત્યારે લેખ વાંચજો ને વંચાવજો બીજું શું ?’
‘પણ લેખ બધાને સમજાશે ?’
‘એક જણે લેખ વાંચવાની ના પાડી તો એના ઘરની દિવાલો હાલવા માંડેલી ને ભીંતેથી પોપડા ખરવા માંડેલા. તરત જ એણે લેખ ગોખી મારેલો ને એના ઘરની દિવાલોને તરત જ નવો રંગ લાગી ગયેલો !’
‘એક જણે લેખ વાંચવામાં આળસ કરી તો, એના બૅંકના લૉકરમાંથી અચાનક જ ઘરેણાં ગાયબ થઈ ગયેલાં ! બીજે દિવસે એણે પચાસ વખત લેખ વાંચ્યો તો એના ઘરેણાં પાછા મૂળ સ્થાને પહોંચી ગયેલાં !’
‘વાહ ભઈ વાહ ! લો, હમણાં જ લેખ પણ વાંચી લઉં ને બધે મોકલી પણ દઉં, ખુશ ? હે લેખ, તારા પરચા અપરંપાર ! જય હો ! જય હો !’

9 ટિપ્પણીઓ:

  1. 'Parcha Aparampar' khub saras 'vyang' karyo chhe aavu manas dharavta loko par.
    pallavi

    જવાબ આપોકાઢી નાખો
  2. andh sradhdhaalu lekhako par thayelo kataax ,ekhakone pan gami jaay tevo
    thayo te tamaari khubi , mazaa aavi gai , pachhi thayu aa to aapanne j chaabakho maare chhe ! great ! - ashvin desai australia

    જવાબ આપોકાઢી નાખો
  3. Rational Abhigam, pan Manas ne paracha vina chalatu nahti!
    Aap 'AKHA' jevu kam karo Chho! Abhinandan !
    Saralata ane Sahajata aapni visheshta chhe, je mane bahu game chhe.
    -Ramesh Savani

    જવાબ આપોકાઢી નાખો
  4. " અભિનંદન– ખૂબ જુદી જ રીતના વ્યંગ લેખ માટે.લેખ ગમ્યો."
    હરનિશ.

    જવાબ આપોકાઢી નાખો
  5. મેં  આ લેખ વાંચ્યો અને તરત જ મને મઝા આવી ગઈ. બહુ વરસોથી મને મઝા આવતી ન હતી, અને મેં ઘણી માનતાઓ માની હતી. પણ કશું થતું ન હતું. છેવટે મને દક્ષિણ દિશામાં કોઈકે મંતરેલા દાણા નાંખવાનું કહ્યું. મેં એ કરવાનો વિચાર જ કર્યો કે એ દિશામાંથી મને પરચો મળી ગયો. 
    Biren kothari

    જવાબ આપોકાઢી નાખો

  6. સાચે જ આ વાંચીને હસતો હસતો હું ઉભો થવા જતો હતો ને

    મારું માથું બારસાખ સાથે ભટકાવાની તૈયારીમાં જ હતું !!!!!!!!!!!!!!!!!!!!!!...

     

    પણ ન ભટકાયું !!!!

    ખરેખર મને તો આ ફાયદો કંઈ જેવો તેવો થયો ગણાય !!!!!

     

    આશા રાખું કે સૌને એમ ફાયદાઓ થતા રહે..

    મઝા આવી..
    Uttam Gajjar

    જવાબ આપોકાઢી નાખો
  7. Aa aabhar tame 7 jan ne fwd karsho to tamaro lekh hit thai jashe. 😛😄😛😄😛😀
    Pallavi Mistry

    જવાબ આપોકાઢી નાખો