રવિવાર, 19 ઑક્ટોબર, 2014

ઘૂઘરા જેવો સ્વભાવ

દિવાળીના આ એક અઠવાડિયામાં તો આપણે, સાપ કાંચળી ઉતારે એમ બધું જૂનું, સડેલું, ફાટેલું, તૂટેલું ત્યાગીને નવો અવતાર ધારણ કરવાનાં હોઈએ એટલા ઉત્સાહમાં થનગનતાં હોઈએ. ફક્ત બહુ મથવા છતાં કે ફાંકો રાખવા છતાં કે લોકોને સલાહ આપવા છતાં ને નવા વરસે સંકલ્પો લીધા છતાં, પોતાના સ્વભાવને રવાના કરી શકતાં નથી ! જે હોય એનાથી જ ચલાવી લઈએ. એટલે જ જાતજાતની ઉપમા આપી શકીએ એવા વૅરાયટીવાળા સ્વભાવો આપણને મળી આવે.


શરૂઆત આપણે શ્રીફળ વધેરીને એટલે કે, શ્રીફળ જેવા સ્વભાવની વાત કરીએ તો ક્રોધી વ્યક્તિ વિશે એ પોતે જ કે પછી એનાં વહાલાંઓ કહેતાં હોય, ‘એ તો બહારથી એવા દેખાય બાકી અંદરથી તો બૌ સારા, એમના મનમાં કાંઈ નો મલે.’(!) બહારથી એવા એટલે કેવા ? બીજાનાં છોડાં ફાડી નાંખે ને માથું ફોડી નાંખે એવા કે પછી કોઈ એમનાં છોડાં કાઢે કે માથું ફોડે ત્યારે પરચો બતાવે તેવા ? એ તો માથું ફૂટે ત્યારે ખબર પડે !

ઘણાનો સ્વભાવ અગરબતી કે દીવા જેવો હોય ! પોતે બળે ને બીજાને સુગંધ કે અજવાળું આપે. કોઈ દિવસ જોયું કે, બીજાનું સારું જોઈને કોઈ બળતું હોય કે જલતું હોય ત્યારે એના મોંમાંથી અમૃતવચનો નીકળતાં હોય ? ખુશીથી ચહેરો ચમકતો હોય ? ઉલટાનું એવા સમયે તો, પોતે બળે ને સાથે બીજાને બી બાળે અથવા છીંકાવે ! ઘણી વાર તો ઊભા ને ઊભા સળગાવી કાઢે ! વળી, ઘણાં તો આ બળવાનો લહાવો પોતે જ લીધે રાખે. ભઈ, બીજાને પણ કોઈના માટે ઘસાવાના કે બળવાના મોકા આપો. ટ્રેઈનિંગ આપો ને એકબીજાના ઘરમાં સુગંધ કે રોશની ફેલાવવાનો જશ બીજાને પણ મળે એવા પ્રસંગો ઊભા કરો. (દિવાળીમાં કંઈ નહીં તો મારી જેમ સલાહો આપો.)

પૂજા થઈ ગઈ. હવે ખાવાની વાત. દિવાળીમાં જે ખાસ ખાસ નાસ્તા બને છે એની પાછળ એક ચોક્કસ ગણિત રહેલું છે. આપણે તો બે ચાર નમૂના જ જોઈએ.

ચકરી જેવો સ્વભાવ. એક વાતની પાછળ મંડી રહીને તેનો અંત આવે ત્યારે જ પીછો છોડવો અથવા તો લીધેલી વાત પૂરી કરવા ગોળ ગોળ ફર્યા કરવું અથવા પોતે કેન્દ્રમાં રહી બધાંને ગોળ ગોળ ફરતાં કરી દેવા ! તેલમાં તળાતી કે જમીન પર ફરતી ચકરી જોઈને મને આવા લોકોની યાદ કે દયા આવી જાય. જોકે, ચકરી સૌને પ્રિય હોય છે, જો એ દાંતતોડ ન બની હોય તો !

બુંદીના લાડુ. ઘીમાં તળાઈને ચાસણીમાં નીતરેલી બુંદીને જ્યારે થાળીમાં પથરાયેલી જોઉં ત્યારે મને, વેકેશનમાં રમવા નીકળી પડેલાં બાળકોની યાદ આવી જાય. વડીલોના પ્રેમની મીઠાશ જ્યારે એમને બે હથેળીમાં સમાવીને એક સૂત્રે બાંધી દે ને દિવાળીમાં ઘરમાં ગોંધી દે કે ખોળામાં ઢબૂરી દે....બસ એ જ પ્રેમની દિવાળી. પણ, એ જ મીઠાશ ને એ જ પ્રેમ હવે જવલ્લે જ જોવા મળે છે કારણ કે, હવે બુંદીના લાડુ જ બનતા ઓછા થઈ ગયા.

મઠિયા ને ચોળાફળી. (સુરતમાં ચોરાફરી બોલાય.) મોંમાં જતાં પહેલાં બહુ જ અથડાઈને–કુટાઈને–ટિચાઈને આખરે ગરમ ગરમ તેલમાં તળાયા પછી, મનભાવન દેખાવ ને નાકમાં દૂરથી પેસી જતો મઘમઘાટ પામી શકે છે. ઘણાંનો સ્વભાવ એમનાં કપાળની કરચલીઓમાં કે બારણે ઊભી રહેલી ગાડીઓમાં દેખાઈ આવે છે.

દિવાળીના નાસ્તાઓમાં ઘરમાંથી વિદાય લઈ રહેલી ને પેકેટમાં પાછી ફરતી આ બધી વાનગીઓમાં એક જ વાનગી એવી રહી ગઈ છે, જે  ઘરના જેવી તો ન જ બને પણ બધાંનાં ઘરમાં બને જ બને. તે છે ઘૂઘરા. ઘૂઘરામાં ખાંડવા–કૂટવાની માથાકૂટ નહીં. ફક્ત યોગ્ય પ્રમાણમાં સાંજો તૈયાર થયો હોય, કાળજીથી બનેલી પૂરીમાં ઢંકાયો હોય ને સુંદર કાંગરી વડે ઘૂઘરો જો શણગારાયો હોય તો બસ. ગળામાં લસરાવવાની જ વાર. કદાચ ઘૂઘરાના આકારની પ્રેરણા, પહેલો ઘૂઘરો બનાવનારને આપણી આંખના આકાર ને પાંપણની ઝાલર પરથી મળી હશે !  

ઘૂઘરામાં જોકે મીઠાશ મળવાની ગૅરંટી. વળી ઘીમાં બનતા હોવાથી અને સાંજામાં વિવિધતા હોવાથી મોંમાં મમળાવીને ખાધા બાદ સો ટકા સંતોષની પણ ગૅરંટી. ભલે કોઈ પોલા હોય કે ખખડતા હોય પણ ઘૂઘરા એટલે ઘૂઘરા. (ઘૂઘરા જેવો સ્વભાવ એટલે જ કદાચ સૌને પ્રિય છે.) કદાચ કોઈ ખામી હોય તો તે પણ ડબ્બીમાં બંધ હોવાથી કોઈને દેખાતી નથી. ડિશમાં મૂક્યા હોય તો, ચોળાફળી કે મઠિયાંની જેમ પહોળા થઈને, પથરાઈને, ડિશ રોકીને બેસી નથી જતા. બીજાઓને પણ પ્રેમથી જગ્યા કરી આપે છે. ખાસ કોઈને ભારે પડતા નથી અને ઘૂઘરા બનાવવા માટે બીજા કોઈની ઉપર આધાર પણ રાખવો પડતો નથી. કોઈને આજીજી કરવી પડે કે બનાવવાનું જ માંડવાળ કરવું પડે એવું ઘૂઘરાના કિસ્સામાં ભાગ્યે જ બને.

‘ઘૂઘરા બનવું’નો એક અર્થ થાય છે ખુશખુશાલ થવું, ખુશખુશાલ બનવું કે ખુશખુશાલ રહેવું. લો, આ તો બધી વાતનો સાર એક જ વાક્યમાં આવી ગયો. એટલે હવે કોઈ પૂછે કે, ‘કેમ છો ?’ તો.... ?



તો કહેવું કે, ‘ઘૂઘરા જેવા.’ કોઈના સ્વભાવ વિશે કહેવું હોય તો ? ‘અરે, એમનો સ્વભાવ તો ઘૂઘરા જેવો છે.’ હવે દિવાળી સિવાય પણ આપણે ઘૂઘરાને બારે માસ યાદ રાખી શકીએ ને એનો યથાયોગ્ય પ્રચાર પણ કરી શકીએ. ચાલો આપણે ઘૂઘરાનો જયજયકાર કરીએ. ‘જય ઘૂઘરા’.            

11 ટિપ્પણીઓ:

  1. જ્યાં સ્વભાવ જ શ્રીફળ જેવો હોય ત્યાં ઘૂઘરાના અભરખા રાખવા કેમ શક્ય બને....
    ખાટલે મોટી ખોટ..... બાકી તમારા ઘૂઘરા તો ભાવ્યા. તહેવારોની સિઝન જાય પછી પણ ખવરાવતાં રહેજો!

    જવાબ આપોકાઢી નાખો
  2. good article.

    wish you a happy dipawli and a prosperous new year.
    regards.
    Rajanikant Shah

    જવાબ આપોકાઢી નાખો
  3. Vah.....very sweet of you...I liked your analysis of human nature resembling Diwali 'items'...

    જવાબ આપોકાઢી નાખો
  4. વહાલા બહેન,
    ધુઘરાનો જયજયકાર તો બારે માસ યાદ રહેવાનો.
    દીપાવલી અને નુતનવર્ષની હૃદયપુર્વકની શુભકામનાઓ,,

    જવાબ આપોકાઢી નાખો
  5. વિનોદ વિહારની આ પોસ્ટમાં આપનો આ લેખ આપના આભાર સાથે મુક્યો છે.

    http://vinodvihar75.wordpress.com/2014/10/19/557-%E0%AA%B6%E0%AB%81%E0%AA%AD-%E0%AA%A6%E0%AB%80%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B5%E0%AA%B2%E0%AB%80-%E0%AA%A8%E0%AB%81%E0%AA%A4%E0%AA%A8-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B7%E0%AA%BE%E0%AA%AD/

    જવાબ આપોકાઢી નાખો
  6. તદ્દન સાચી વાત છે, ઘુઘરા એટલે ઘુઘરાજ વળી...... ગમે ત્યારે, ગમે તે સમયે ખાવ, મોઢામાં મીઠાશ આવી જવાની.....વાંચતાં વાંચતાં અને આ લખતાં પણ મોઢામાં પાણી આવે છે....
    M.D.Gandhi, U.S.A.


    સુંદર લેખ છે....

    જવાબ આપોકાઢી નાખો
  7. Sachi Vat Che Vanchata Vanchata Pan Moma Pani Aavi Gayu.....I like your analusis...Khub Saras Lekh
    .. Abhar.....Happy Dipawali and Happy New Year.

    જવાબ આપોકાઢી નાખો
  8. વાહ ! ખરે જ ઘૂઘરા સૌને પ્રિય છે તે સૌ આનંદપ્રેમીઓની વાતોથી સાબિત થયું. આભાર ઘૂઘરાનો ?

    જવાબ આપોકાઢી નાખો
  9. wow.....!!! badhi vanagi khavani....na na... , vanchvani maza padi gai.......very good analysis....havee to 'ghughara jeva banvu padshe bare maas.....(all year round).....tamara ghughara bani gaya.....to avie khava.....?

    Harsha Mehta
    Toronto, Canada

    જવાબ આપોકાઢી નાખો