રવિવાર, 27 જુલાઈ, 2014

હાથ ઊંચા કરો, સમસ્યા નિવારો

રાજા અને પ્રજાનો સંબંધ અનોખો હોય છે. પ્રજાને ફરિયાદ કરવાની ટેવ હોય અને રાજાને ? રાજાએ તો જુદા જુદા પ્રધાનોની નિમણૂક જ પ્રજાની ફરિયાદ દૂર કરવા માટે કરી હોય, એટલે એને નિરાંત હોય. લોકો રાજાને ઘડી ઘડી હેરાન ના કરે ને એનું માથું ન ખાય એટલે, બધા પ્રધાનો પણ પોતપોતાનાં ખાતાં, ખાતાં–પીતાં સંભાળી લે. જોકે, પ્રધાનોને શરૂ શરૂમાં કામનો ઉમંગ હોય પણ પછી એકની એક સમસ્યાના, એકના એક ઉકેલથી એ લોકો પણ કંટાળી જાય. આખરે એ લોકો પણ માણસ છે ! એ લોકોનો પણ જીવ હોય ! એટલે પ્રશ્નો લઈને આવતી પ્રજાની સામે જવાબમાં એ લોકો પોતાના હાથ ઊંચા કરી દે !


‘તમારી સમસ્યા તમે જાણો !’

તો હવે જાણીએ, સુરતની પ્રજાની સમસ્યાઓ. ફક્ત જગ્યાનું નામ બદલી નાંખજો તો એ તમારી સમસ્યા બની જશે.

સમસ્યા: સલાબતપુરા રતન ટૉકિઝની સામે, ગોપાલ ચેમ્બર પાસે રોડ ડિવાઈડરની જરૂર છે.

ઉકેલ: સલાબતપુરા રતન ટૉકિઝની સામે, ગોપાલ ચેમ્બરનો રસ્તો ૬૦ ફૂટ પહોળો છે કે કેમ, તે માપીને જણાવો. એક ઈંચ પણ વધારે નીકળે તો ડિવાઈડર મૂકવાની જવાબદારી અમારી. સમય, સાધન ને માણસની સગવડ થતાં કામ તાકીદે ચાલુ થશે. જો રસ્તો એક ઈંચ પણ ઓછો નીકળ્યો તો અમારી કોઈ જવાબદારી રહેતી નથી તે નોંધશો.

સમસ્યા: સરદાર બ્રિજ ગૅસ સર્કલની પાસે, અંકુર સોસાયટીની ચાર સ્ટ્રીટ લાઈટો ઘણા દિવસથી બંધ છે.

ઉકેલ: આ વિસ્તારની ફક્ત ચાર બંધ સ્ટ્રીટ લાઈટોને ચાલુ કરવામાં હાલ અમને કોઈ રસ નથી. તમારા ઘરમાં સમયસર લાઈટ આવતી હોય તો ઘરનાં બારીબારણાં ખુલ્લાં રાખજો, જેથી રસ્તા પર અજવાળું રહે.

સમસ્યા: સરદાર બ્રિજ પરનો રોડ ખાડાથી ભરેલો છે.

ઉકેલ: હાલમાં ડામરનો સ્ટૉક ખલાસ થઈ ગયો હોવાથી ટેન્ડર બહાર પાડવાનું વિચારાય છે. ટેન્ડર બહાર પડે, પાસ થાય, ડામર આવે, માણસ આવે એટલે તાકીદે કામ ચાલુ કરવામાં આવશે. ખાડા પૂરવાનું કામ જોરશોરથી ચાલુ થાય ત્યાં સુધી ખાડા કુદાવી જશો અથવા ખાડાથી બચીને રહેશો.

સમસ્યા: પીપલોદ જકાતનાકાથી પ્રગતિનગર રોડ સુધીના વિસ્તારમાં, ભરાઈ રહેતા પાણીના નિકાલની વ્યવસ્થા કરી પાકો રોડ બનાવશો.

ઉકેલ: પીપલોદ જકાતનાકાથી પ્રગતિનગર રોડ સુધીના વિસ્તારમાં, ભરાઈ રહેતા પાણીનો નિકાલ નજીકના જ કોઈ વિસ્તારમાં કરવો પડે. એટલે પછી ત્યાંથી બૂમાબૂમ થાય ! તો તમે સમજીને થોડો સમય ચલાવી લેશો. સુડા તરફથી વૉટર ડ્રેઈનેજ યોજના ઘડાઈ છે, જે અમલી બનતાં રોડ બનાવવાની કામગીરી હાથ ધરાશે. જ્યાં પાણી ભરાયું છે, ત્યાં માણસ આવીને દવા છાંટી જશે. ગભરાશો નહીં.

સમસ્યા: ચૌટાબજારમાં દુકાનોના અતિરેકી દબાણથી રાહદારીઓને ચાલવામાં પણ તકલીફ પડે છે. કંઈક કરો બાપા !

ઉકેલ: જેવું મુંબઈનું ભૂલેશ્વર વખણાય છે તેવું સુરતનું ચૌટાબજાર વખણાય છે. આવી પ્રસિધ્ધ જગ્યાની રોનક ઓછી કરીને અમે સુરતનું નામ બદનામ કરવા નથી માંગતા. ખાસ કામ ન હોય તો ચૌટાબજાર જવાનું ટાળો. દુકાનોમાંથી મળતા હપતાઓથી અનેક લોકોનું પેટ ભરાય છે, એમનો વિચાર કરો. બીજેથી ખરીદી કરવાની ટેવ પાડો.

સમસ્યા: પાંડેસરાના શારદા વિદ્યામંદિર પાસે રિક્ષા અને લારીગલ્લાઓની ભીડ કાયમની સમસ્યા છે. ગૃહિણીઓને પણ ત્રાસ થાય છે.

ઉકેલ: તમે ભણી રહ્યા એટલે બાળપણ ભૂલી ગયા ? બાળકોનો આનંદ શા માટે છીનવવા માંગો છો ? લારીગલ્લા નહીં હોય તો એમને ચણી બોર કે રાંદેરી બોર, આથેલાં આમળાં ને જાતજાતની ચીકીનો સ્વાદ કોણ ચખાડશે ? જ્યાં શાળા હોય ત્યાં રિક્ષા, સ્કૂટર ને કારની ભીડ તો રહેવાની જ. બાળકો શેમાં આવજાવ કરે ? વળી, જ્યાં મંદિર હોય ત્યાં મહિલાઓ પણ હોવાની ને મહિલાઓ હોય ત્યાં એમને (કે એમનો) ત્રાસ પણ રહેવાનો ! એટલે બધું સહન કરતાં શીખો.


સમસ્યા: છેલ્લા ઘણા સમયથી કતારગામ સ્થિત લલિતા ચોકડીથી ગજેરા સ્કૂલ સુધીના રસ્તા પર લાઈટ નથી.

ઉકેલ: ભઈ, તમે તો નાની નાની સમસ્યા માટે છાપે ચડો છો ! સારી ટેવ નથી. (યે અચ્છી બાત નહીં હૈ !) છતાં જણાવીએ કે, એ વિસ્તારમાં લાઈટ મુકાવવાનું કામ તો શરૂ થયેલું પણ નજીકની સોસાયટીઓએ વિરોધ કરેલો, તેથી બધું ખોરંભે ચડી ગયું. હવે તમે બધાં અંદર અંદર સમજીને રસ્તો કાઢો તો ઠીક છે, નહીં તો આગામી યોજનામાં વાત મુકાશે ને મંજુર થશે તો તમારાં નસીબ !

સમસ્યા: પલસાણાના પૂણી ગામે વાનરોનો બહુ ત્રાસ છે.

ઉકેલ: ભાઈ, ગામ હોય ત્યાં કૂતરા, બિલાડાં, ગાય, ઘોડા, ગધેડા ને વાનરો પણ હોવાના જ. કોઈની ધાર્મિક લાગણી ન દુભાય એટલે સરકારે આ સૌ પર પણ રહેમ નજર રાખવી પડે. અને બીજાં પ્રાણીઓને જો આપણે છૂટથી ફરવા દઈએ તો બિચારા વાનરોનો શો વાંક ? તો પછી, જેમ ચાલે તેમ ચાલવા દો.

સમસ્યા: અમારા ગામમાં ટપાલી ઘણો મોડો આવે છે. ઘણી વાર તો બસ પણ નથી આવતી.

ઉકેલ: તમે તમારા ગામનું નામ નથી જણાવ્યું, એટલે ખરેખર તો અમારે કંઈ કરવાનું રહેતું જ નથી. છતાં, લાગતા–વળગતા ખાતાને જાણ કરશું ને તમારા પત્રની છાપ ઉકલે તો, ગામનું નામ શોધીને તમારી સમસ્યા એમને જણાવશું. બાકી તો, તમે જાણો છો કે, નાના ગામોનો ઉધ્ધાર થતાં વર્ષો નીકળી જાય. તમારી સમસ્યા ક્યારે ઉકેલાશે તે કંઈ કહી ન શકાય. છતાં, તમારે ઉતાવળ હોય તો જાતે ટપાલ લઈ આવવી. નાના ગામમાં તો શું કે, ટપાલીને બધાં જ ઓળખે એટલે વાત વાતમાં એને મોડું પણ થઈ જાય !

આ સાથે જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે કે, તમારા કોઈ પણ પ્રશ્નો લઇને, તમે કોઈ પણ સમયે અમારી પાસે આવી શકો છો. અમે તમારા સેવક છીએ, અને તમારી સેવા કરવી, તમારી સમસ્યાઓ દૂર કરવી એ અમારી પહેલી ફરજ છે.

શનિવાર, 19 જુલાઈ, 2014

આવ્યો ?


૧૬ જુલાઈ– બુધવારે.....

‘હલો....’
‘હા બોલો....’
‘તમારે ત્યાં આજે આવ્યો ?’
‘ના, તમારે ત્યાં ?’
‘અમારે ત્યાં પણ નથી આવ્યો. રોજ રાહ જોઈએ છીએ. ’
‘અમારે ત્યાં પણ એવું જ છે. સવારથી રાહ જોવાનું ચાલુ કરીએ તે ઘણી વાર તો રાત્રે સૂતાં સુધી રાહ જ જોયા કરીએ બીજા દિવસની આશા સાથે, કે કાલે તો આવવો જ જોઈએ. ’
‘આ વખતે તો વેકેશન કરવા જાઉં છું કહીને ગયો તે ગયો, પાછો દેખાયો જ નથી. તમારે ત્યાં શું બહાનું કાઢીને ગયેલો ?’
‘બહાનું તો બધાંને ત્યાં એ જ કાઢવું પડે ને ? જે તમારે ત્યાં તે અમારે ત્યાં. જુદાં જુદાં બહાનાં કાઢે તો પકડાઈ ન જાય કે ?’
‘હા, એ પણ બરાબર. તમારે ત્યાંથી આ વખતે કંઈ ઉપાડ લીધો હતો ?’
‘ઉપાડ લેત તો સારું હતું, આ ઉપાડો તો ન લેત. ’
‘હવે શું કરશું એના વગર ?’
‘શું કરીએ ? એના સમયસર આવવાની એવી ખરાબ આદત પડી ગયેલી કે, આ વખતે તો આટલું મોડું હવે ખમાતું નથી. ’
‘અરે ! મોડા આવવાનીય હદ હોય ને ?’
‘હવે તો બધા પાસે મોબાઈલ પણ આવી ગયા છે. એકાદ ફોન કે મેસેજ ના થાય કે ? નહીં તો, અમસ્તાં અમસ્તાં ફોન ઠોક્યે રાખે ને મેસેજ કર્યા વગરેય ટપકી પડે !’
‘ખરી વાત છે. હવે તો અક્કલ કામ નથી કરતી. શું કરવું કંઈ સમજાતું નથી. ’
‘એક કામ કરો ને. એના ગામવાળા કોઈ અહીં રહેતા હોય તો પૂછી જુઓ ને. કદાચ કોઈને કંઈ ખબર હોય તો વળી આપણને રાહત થાય. ’
‘એનાં બે–ચાર સગાંવહાલાં અહીં રહે છે ખરાં, પણ એ લોકોય આજ કાલ કંઈ દેખાયાં નથી. કોઈ ફોન પણ નથી લેતું. કદાચ બધાં જ ગામ ગયાં હશે. ’
‘આ વખતે તો બહુ તકલીફ પડવાની. મન વગરનું બધું કામ કરીએ ને ખાવાપીવામાંય ચિત્ત ન ચોંટે. હવે એક–બે દિવસમાં આવે તો સારું છે, નહીં તો જીવવાનું ભારે પડી જશે. ’
‘હા ભઈ, જેને જે કહેવું હોય તે કહે, પણ આપણા માટે તો એની ગેરહાજરી જીવનમરણનો પ્રશ્ન બની જાય. ’
‘કોઈ માને કે ન માને પણ મેં તો એના માટે બાધાય રાખી છે. હવે બે દિવસમાં જો એ આવી જાય તો, હું સૌથી પહેલાં ગરમાગરમ ભજિયાં બનાવીને ખાઈશ. ’
‘મેં પણ ગરમાગરમ બટાકાવડાંની બાધા રાખી છે. ’ (અમદાવાદીઓએ તો દાળવડાંની બાધા જ રાખી હશે.)
‘બસ, તો પછી બે દિવસમાં એ આવવો જ જોઈએ.’
‘ઓલ ધ બેસ્ટ !’
‘ભઈ, તમનેય શુભેચ્છા હોં !’

૧૭ જુલાઈ ગુરુવારે

મને જણાવતાં આનંદ થાય છે કે, સૌની બાધા બહુ જલદી ફળી છે અને આજે એના આવી જવાથી ચોમેર ભજિયાં ને વડાંની સુગંધથી વાતાવરણ મહેકી ઊઠ્યું છે. વરસાદની જય હો !



રવિવાર, 13 જુલાઈ, 2014

રેલવે બજેટમાં ઉચ્છલ

ભારતનું રેલવે બજેટ રેલગાડીની જેમ આવ્યું ને દર વખતની જેમ ઉચ્છલની નોંધ લીધા વગર જતું રહ્યું. હવે શું કરવું ? કંઈ નહીં. કરવાનું શું ? બીજા નવા બજેટની રાહ જોવાની. ત્યાં સુધીમાં ઉચ્છલ; બીજાં ગામડાંઓ ને શહેરો સાથે જોડાય, એવી કોઈ રેલવે લાઈન નંખાય તેની રાહ જોવાની.


એમ તો ઉચ્છલમાં સ્ટેશન ખરું, પણ એ ઉચ્છલમાં ન ગણાય ! ‘નવાપુર’ નામનું સ્ટેશન ઉચ્છલમાંથી દેખાય. અડધું સ્ટેશન ગુજરાતમાં અને અડધું મહારાષ્ટ્રમાં હોવા છતાં, નામ તો એક જ આપવું પડે ને ? એટલે મહારાષ્ટ્ર ફાવી ગયું અને ઉચ્છલ રહી ગયું.

બજેટ બહાર પડે ત્યારે કહેવાય કે, સામાન્ય માણસોનું પણ ધ્યાન રખાશે. અમારું ધ્યાન આજ સુધી નથી રખાયું. એનો મતલબ એમ કે, અમે ઉચ્છલવાસીઓ અસામાન્ય છીએ ? જો ભવિષ્યમાં ઉચ્છલ સ્ટેશન બને, તો સ્ટેશનથી અમારા ઘર સુધીનો રસ્તો પાકો કરવો પડશે. સ્ટેશન ચોખ્ખું અને બધી સગવડોવાળું જોઈશે. બધી ટ્રેનો પણ ઉચ્છલ સ્ટેશને ઊભી રહે એવી ઉચ્છલવાસીઓની માગણી તદ્દન વ્યાજબી છે. આજ સુધી ઉચ્છલને ઘણો અન્યાય થયો છે પણ હવે અમે અન્યાય સહન નહીં કરીએ.

માન્યું કે, રેલ ભાડાં સૌથી સસ્તાં હોય છે. ઉચ્છલથી સુરત બસમાં જવું હોય તો અમારે સો રૂપિયા કાઢવા પડે. જ્યારે નવાપુરથી સુરત, આજ સુધી અમે વીસ રૂપિયામાં જ જતાં ને હવે ભાડું વધવાથી પચીસ રૂપિયામાં જઈશું. અમારા ગામના ને આજુબાજુના ગામોના મજુરો તો મફતમાં આવ–જા કરે છે. પણ એ બધું એટલા માટે થાય છે કે, ટ્રેનમાં ભીડ બહુ જ થાય છે. હવે તો ચડવાની જગ્યા પણ નથી મળતી. જો ટિકિટની લાઈનમાં ઊભા રહેવા જાય તો ટ્રેન જતી રહે. જો ઉચ્છલને જ સ્ટેશનની ભેટ અપાય, તો બધા આરામથી ટિકિટ લઈને પણ જઈ શકે. ટિકિટની લાંબી લાઈનો ન લાગે ને કોઈ ટ્રેન ન ચૂકી જાય.

નવાપુર સ્ટેશન મહારાષ્ટ્રમાં હોવાથી, સ્ટેશન પર બધી જાહેરાત પણ હિન્દીમાં અને મરાઠીમાં થાય છે. પરિણામે અમારા તરફની અભણ પ્રજા કંઈ સમજી શકતી નથી. લોકો તો આશરે આશરે જ વર્ષોની આદત મુજબ, અંદાજ લગાવીને ટ્રેનમાં ચડી જાય. ઉચ્છલ સ્ટેશન બને, તો બધાને ગુજરાતીમાં પણ બધી સમજ પડે અને કોઈ ખોટી ટ્રેનમાં ન ચડી જાય કે ટ્રેન ચૂકી ન જાય.

જો ઉચ્છલ સ્ટેશન બને તો ભવિષ્યમાં અહીંથી બુલેટ ટ્રેન પણ જઈ શકે, એવો ભવિષ્યના બજેટમાં જરુર કોઈને વિચાર આવશે. જો એ વિચાર અમલમાં મુકાશે તો ઉચ્છલ–સુરત વચ્ચેનું અંતર અમે દસ જ મિનિટમાં કાપી શકશું ! અને વિચારો કે, એક જ દિવસના હજારો લોકોના, હજારો કલાક બચી જાય તો એ હજારો લોકો બીજાં કેટલાં કામ કરી શકે !

અહીંના લોકોને તો વિમાની સફર જેવી સફરનો આનંદ મળશે. પછી લોકો ઘડી ઘડી એ સફરનો આનંદ માણશે ને બાળકોને પણ સુરત ફરવા લઈ જઈ શકશે. જનતા ખુશ રહેશે તો સરકારને જ ફાયદો કરાવશે ને સરકાર પણ ખુશ રહેશે. એટલે ઉચ્છલ સ્ટેશન બનાવવાના દૂર દૂર સુધીના ફાયદા તો અમને અત્યારથી જ દેખાવા માંડ્યા છે. હવે સરકાર પોતાના રેલ બજેટ પર ફેર વિચારણા કરીને પણ, ઉચ્છલને સ્ટેશન બનાવવાના વિચાર પર મહોર લગાવે ને ઉચ્છલની પ્રજાને ખુશ કરે એવી આશા અસ્થાને નથી.

બજેટમાં મોટાં મોટાં શહેરોને જ પહેલાં બધી સગવડ આપવી એ નિયમ હવે બદલાવો જોઈએ. કેમ  શરુઆત ગામડાથી ન કરાય ? આ વિચારને અમે ઉચ્છલના લોકો આગળ મૂકીશું અને જરૂર પડશે તો રેલ રોકો આંદોલન કે ધરણાં કે ઉપવાસનું શસ્ત્ર પણ અજમાવશું. જય ઉચ્છલ !

રવિવાર, 6 જુલાઈ, 2014

બિલાડીના બેટાનું બારમું

એક શાકાહારી જંગલ હતું. જંગલમાં રહેતાં બધાં પ્રાણીઓ ફક્ત શાકભાજી– ફળ– ફૂલ પર જ ગુજારો કરતાં હોવાથી જંગલનું નામ જ શાકાહારી જંગલ પડી ગયેલું. જ્યાં બધાં જ શાકાહારી હોય ત્યાં ભાઈચારો જ હોવાનો ને ? કોઈ, કોઈને મારીને ખાવાનું વિચારે જ નહીં ને ? કોઈએ કોઈથી બીવાનું નહીં અને કોઈની કોઈના ઉપર દાદાગીરી નહીં. પરિણામે આ જંગલમાં, જાતજાતનાં ને ભાતભાતનાં પ્રાણીઓ ને પક્ષીઓ જોવા મળતાં. આસપાસનાં શહેરો ને ગામોમાં તો, આ જંગલના પ્રાણીઓનાં બાળકો માટે ખાસ સ્કૂલો ને કૉલેજો પણ હતી ! ધારે તે પ્રાણી, ચાહે તે સ્કૂલમાં કે કૉલેજમાં પોતાના બાળકને મૂકી શકે. એમને માટે હૉસ્ટેલ પણ ખરી. ડોનેશનની તો વાત જ નહીં કરવાની.

થોડે થોડે દિવસે જંગલમાં પાર્ટીઓ પણ થતી. ક્યારેક કોઈનો બર્થ ડે હોય તો ક્યારેક કોઈનાં બચ્ચાનો બાળમંદિરનો પહેલો દિવસ હોય. કોઈ દસમા કે બારમામાં પાસ થયું ? ચાલો પાર્ટી કરો. મૅરેજ પાર્ટી, એનિવર્સરી પાર્ટી, સિનિયર સિટીઝન ડેની પણ પાર્ટી ! જાતજાતની રંગબેરંગી પાર્ટીઓને લીધે જંગલ હંમેશાં આનંદી ગીતોથી ગાજતું રહેતું.

આ મસ્ત જંગલમાં એક વર્ષે એક બિલાડીનો બેટો બારમામાં આવ્યો. બેટો શહેરની સ્કૂલમાં ભણે ને હૉસ્ટેલમાં રહે. ભણવામાં અવ્વલ, રમતગમતમાં નંબર વન–એકદમ સ્માર્ટ ! પરીક્ષાના દિવસો આવ્યા ને બેટાને હૉસ્ટેલમાં જ રહેવું હતું. પણ મમ્મી એટલે મમ્મી ! માનો જીવ માને ? એણે તો, પોતાના લાડકાને પરીક્ષા પહેલાં જ તાજોમાજો કરવા ઘરે બોલાવી લીધો. પોતાની નજર હેઠળ રહે તો બરાબર ભણે ને સમયસર ખાતોપીતો પણ રહે, તબિયત ના બગડે. મમ્મીએ તો બેટા માટે અલગ રૂમની વ્યવસ્થા કરી દીધી. શહેરમાંથી અસલી ઘીના ડબ્બા ને ચીઝ–પનીરના બૉક્સ પણ મંગાવી લીધા. દૂધ તો જંગલમાં જ મળી રહેવાનું હતું. ગાય–ભેંસ ને બકરીએ ચિંતા ન કરવા જણાવેલું.

બિલાડીના બેટાને સવારે વહેલો ઊઠાડવા માટે જંગલના મરઘાંઓએ વારા બાંધેલા. પહેલો મરઘો બોલે કે, ગાય પોતાના વાછરડાને દૂધ લઈને મોકલી આપે, ‘તું થોડા દિવસ ઓછું પીજે પણ આ દૂધ આપણા બેટુને આપી આવ જા. ’ વાછરડું પણ હોંશે હોંશે બરણી ઝુલાવતું નીકળી પડે. બપોરે ભેંસ દૂધ મોકલે ને સાંજે બકરીનો વારો. જતાં આવતાં બધાં પૂછતાં જાય, ‘બિલ્લીબહેન, કોઈ કામકાજ હોય તો કહેજો. ’ બિલાડીને તો જરાય ચિંતા કરવી ન પડે. છતાંય માનું મન એટલે એના બેટુની ફરતે ફર્યા કરે. ‘બેટા ભૂખ્યો તો નથી ને ? ભૂખ લાગે તો કહેજે દીકા. એમ કર, ઘડીક ઊંઘી જા. આખો દિવસ વાંચીને થાક્યો હશે. ઊંઘવું ન હોય તો ઘોડા અંકલ કે હાથી અંકલને કહે, તને આંટો મરાવી લાવે. જરા ફ્રેશ થઈ જશે જા. ’ બેટો તો ઘણી વાર મમ્મીની સતત કાળજી ને ટકટકથી કંટાળી જાય, ગુસ્સે થઈ જાય ને નારાજ પણ થઈ જાય. છેલ્લે મમ્મીની લાગણી આગળ ઝૂકી જાય. 

જોકે, મમ્મી થોડી વાર માટે પણ બહાર જાય કે બપોરે સૂઈ જાય, ત્યારે બેટુ ચીઝ–પનીરના ડબ્બા ફેંદી વળે. મમ્મી કંઈ કાચી નહોતી. એ બધા ડબ્બા એવા સંતાડીને મૂકતી કે બેટુને ગંધ સુધ્ધાં ન આવે. વધારે ખાઈને બેટુ જાડો થઈ ગયો તો ? પછી આળસુ થઈ જાય, ઊંઘ્યા કરે ને ભણે નહીં તો બારમામાં શું ઉકાળે ? એટલે મમ્મી તો અઠવાડિયામાં એક વાર બેટુને ચીઝ સૅન્ડવિચ કે પનીર રોલ બનાવીને ખવડાવતી. બાકીના દિવસો તો છે જ દૂધ, દહીં ચાટવાના ને ઘીનો શીરો ઝાપટવાના ! જોકે, એ પચાવવા માટે મા–દીકરો બન્ને રોજ અડધો કલાક જંગલમાં દોડી આવતાં.

અને એક દિવસ, બેટુની પરીક્ષાનો દિવસ નજીક આવી ગયો. બેટુની હૉસ્ટેલમાં જવાની તૈયારીઓ શરૂ થવા માંડી. બિલાડી તો આખી દુનિયાનો ભાર માથા પર લઈને રડમસ ચહેરે ફરવા માંડી. ‘બેટુની પરીક્ષા કેવી જશે ? પેપર સારાં તો જશે ને ? બેટુ ગભરાઈ તો નહીં જાય ને ?’ જાતજાતના સવાલોથી મમ્મી પરેશાન ! આટલા દિવસો સમજીને જ, દોસ્તથી દૂર રહેલા બેટુના દોસ્તો બધા મળવા ને શુભેચ્છા પાઠવવા આવી ગયા. મમ્મીને તો બેટુની ચિંતામાં, કોઈ ઘરે આવે તે પણ નહોતું ગમતું. સૌએ બેટુને નાની મોટી ગિફ્ટ આપી. બેટુ તો સૌનો પ્રેમ મેળવી ધન્ય થઈ ગયો. ફર્સ્ટ ક્લાસ લાવવાનું એણે સૌને વચન આપ્યું. સ્કૂલ જવાને દિવસે તો બેટુના મમ્મી–પપ્પા એને સવારથી કહેવા માંડ્યાં, ‘બેટા, બરાર લખજે. ગભરાતો નહીં. શાંતિથી બે વાર પેપર પહેલાં જોજે. આવડતા જવાબો પહેલાં લખી નાંખજે. ઉતાવળ નહીં કરતો......’ બદામનો શીરો અને મસાલેદાર દૂધ પીને બેટુ તૈયાર થઈ ગયો કે, પપ્પાએ એના ખિસ્સામાં પૈસા મૂક્યા ને મમ્મીએ ચાંદલો કરી એક ચમચી દહીં ચટાડ્યું. આગલો જમણો પગ બહાર કાઢી, બેટુ ઘરની બહાર તૈયાર રહેલી હાથીઅંકલની સવારી તરફ ગયો. બેટુનો સામાન બધાએ ઊંચકી લીધો ને હાથીભાઈની પાછળ પાછળ બધા બેટુને વિદાય કરવા નીકળી પડ્યા. બિલ્લીમમ્મી તો આ દ્રશ્ય જોઈને ગદગદ થઈ ગઈ. એણે સૌનો આભાર માન્યો. આખરે શહેરનો રસ્તો આવી ગયો. હાથીઅંકલે બેટુને સાચવીને નીચે ઊતાર્યો અને સૂંઢમાં ઊંચકીને બેટુને ઘોડાઅંકલની પીઠ પર બેસાડી દીધો. બીજા ઘોડા પર બેટુના પપ્પા બધો સામાન લઈને બેઠા અને થોડી વારમાં તો બેટુભાઈની સવારી સ્કૂલના કમ્પાઉન્ડમાં ! બેટુને શુભેચ્છા પાઠવી સૌ રવાના થયાં. પપ્પાએ ગૂપચૂપ આંખો લૂછી.

પરીક્ષા થઈ ગઈ. રિઝલ્ટ આવી ગયું. શાકાહારી જંગલમાં સૌની શુભેચ્છાઓથી અને વડીલોના આશીર્વાદથી સૌનો બેટુ ફર્સ્ટ ક્લાસ લાવ્યો હતો. જંગલમાં તો મંગલ ઘડી આવી હતી. બેટુને સૌ વાજતે ગાજતે જંગલમાં લઈ આવ્યા અને સૌએ બેટુના મમ્મી–પપ્પા પાસે પાર્ટી માંગી. આટલા મોટા જંગલમાં તો મહેમાનો પણ કેટલા હોય ? જોકે બધાં કંઈ બેસી રહે તેવા થોડા હતાં ? સૌ કામે લાગી ગયા અને ધામધૂમથી ને જોરશોરથી ‘જંગલ પ્લૉટ’માં બેટુભાઈની પાર્ટી ઊજવી કાઢી.

એ તો સારું થયું કે, જંગલમાં કોઈ માણસ નહોતો રહેતો, નહીં તો બેટુના રસ્તામાં પહેલે જ દિવસે આડો ઊતરત કે નહીં ?