રવિવાર, 25 મે, 2014

એક બેબી વાદળનું આગમન

                 

કૅલેન્ડરમાં મે મહિનાનું પાનું ફરફરવા માંડતાં જ, અખિલ બ્રહ્માંડ પાણી પુરવઠા યોજનાના પ્રમુખે વાદળોની એક તાકીદની મીટિંગ બોલાવી. બધાં વાદળો ચેઈન્જ મળશે એ આશાએ બૈરીપોઈરાંને લઈને નીકળી પડ્યાં. પ્રમુખે તો વાદળોની એક ખાસ ટુકડીને મેના અંત સુધીમાં સજ્જ થવા જણાવી દીધું. ભારત દેશમાં ચાર મહિના મુકામ કરવાનો હોવાથી,  ટુકડીને બૅગ–બિસ્તરા પૅક કરવા વહેલી રવાના કરવામાં આવી. ભારત દેશના લોકોએ ઊંચે વાદળોની અવરજવરને સહર્ષ નિહાળી આનંદ વ્યક્ત કર્યો. આ વર્ષે ચોમાસું વહેલું આવવાનું.


એક તોફાની બેબી વાદળ ઘડી–ઘડી મમ્મી–પપ્પાની આંગળી છોડાવી દોડમદોડા કરતું હતું. પપ્પા વાદળને ગુસ્સો આવી ગયો. ‘નીચે પડી જશે તો અમારામાંથી હમણાં તને કોઈ નીચે લેવા પણ નહીં આવે. સીધેસીધું અમારી સાથે ચાલતું રહે.’ પણ બેબી વાદળ તો જીદે ચડ્યું. બાળહઠ ! નાછૂટકે એકના એક બેબીની જીદ પૂરી કરવા મમ્મી–પપ્પાએ એની આંગળી છોડી દીધી. સાથે ચેતવણી પણ આપી : ‘એવા માણસની આંખ પાછળ જતું રહેજે, જેની આંખમાં કોઈ દિવસ વાદળે તોરણ ન બાંધ્યાં હોય.’ ને બેબી વાદળ તો ગડબડ ગડબડ ગબડતું ગબડતું મોજથી નીચે આવતું રહ્યું.

બેબી વાદળના પપ્પાએ એને એડ્રેસ તો આપેલું; પણ કોઈ જગ્યાએ એને ચશ્માંએ અટકાવ્યું તો કોઈ જગ્યાએ કૉન્ટેક્ટ લેન્સ નડી ગયાં, એટલે સાદીસીધી કોરી આંખ શોધતાં એને બહુ વાર લાગી. એક ઘરની બહાર એક માણસપપ્પા ઊભેલા જોયા ને બેબી વાદળ તો એમની આંખમાં કૂદીને છુપાઈ ગયું. માણસપપ્પાને અચાનક જ આંખમાં કંઈ ઝાંખું ઝાંખું લાગ્યું ને પછી ડબક ડબક થયું; પણ એમને સમજ ન પડી, (પહેલી વાર જ થયું હતું ને !) એટલે એ તો ઘરમાં જતા રહ્યા. ઘરમાં તો ટીવીની સામે બેસીને મમ્મી ને દીકરી ડબક ડબક બોરાં પાડતાં હતાં. ત્યાં સાથે પપ્પા પણ ભળી ગયા ને ત્રણેય જણ ડબક ડબક, બોર બોર આંસુએ રોયાં ! બેબી વાદળને તો ઘડી ઘડી આંખની બહાર ડોકાવાની મજા પડી ગઈ. ટીવી જોવાનું મળે ને રોજ રાત્રે ભરપૂર આરામ મળે. દિવસના પણ ખાસ કંઈ કામ નહીં. જ્યારે ટીવી ચાલે ને જાતજાતની સિરિયલો આવે ત્યારે મા–દીકરીની આંખો ઝગારા મારવા માંડે કે વાદળે પપ્પાની આંખની બહાર આવી દોડમદોડા કરવા માંડવાની.


જોકે પપ્પાની આંખમાં વાદળ આવવાથી મમ્મી અને દીકરીને તો મજા પડી ગઈ. જેવા પપ્પા ડબક ડબક ચાલુ કરે કે મા–દીકરી મરક મરક ને પછી ખડખડ ખડખડ ખડખડ ખડખડ. તેમ તેમ પપ્પા ડબક ડબક ! સિરિયલમાં સાસુ વહુને ચીમટો ભરે કે પછી વહુ સાસુની સામે એલફેલ બોલે કે પપ્પાની આંખો વરસી પડે. બેબી વાદળના રહેવાથી પપ્પાનું દિલ પણ નાજુક થઈ ગયું, બીકણ બની ગયું. હૉરર શૉ જોતી વખતે તો પપ્પા સોફામાં પગ ઊંચા લઈ લે, બંને કાન પર અંગૂઠા દાબી દે અને આંગળીઓના પડદાની આડશે ટીવી જુએ. ટીવી પર બિલાડી કે મીણબત્તી દેખાય ને પપ્પાના હ્રદયના ધબકારા વધી જાય. મમ્મી ને દીકરી મળી પપ્પાને ચીડવે તો પપ્પા રિસાઈને આંખમાં વાદળને ઊંચકી ચાલતી પકડે. સીધા જ બેડરૂમમાં જઈ પલંગમાં પડતું મૂકે ને વાદળ તો તકિયાનું કવર ભીંજવી કાઢે.


મા–દીકરીને તો જાણે સોનાનો સુરજ ઊગ્યો ! પપ્પાને અચાનક જ આ શું થઈ ગયું ? આમ કેમ કરે છે ? બિચારાની હાલત તો જુઓ. આખી બાજી પલટાઈને એમના હાથમાં આવી ગઈ હતી, આવો ચાન્સ છોડાય ? તોય ગભરાતાં ગભરાતાં શરુઆતના દિવસોમાં, આદત મુજબ મમ્મી ને દીકરીએ ડબકવાળી કરીને પપ્પા પાસે પૈસા કઢાવવાની જૂની ટ્રિક વાપરેલી પણ ઊલટાનું સામે પક્ષે પપ્પા તો બેબી વાદળના સહારે પોસપોસ આંસુએ રોવા માંડ્યા ને મા–દીકરી હતપ્રભ !


હવે બંને જોગણીઓએ ડબકવેડાં છોડી અવાજમાં જરા જરા કરડાકી લાવવા માંડી. બે વાર ઊંચે સાદે બોલે કે, પપ્પાને લાગે ખોટું ને બેબી વાદળ તો ટાંપીને જ બેઠું હોય. આંખની બહાર કૂદમકૂદ કરીને ગાલ પર સીધી લસરપટી જ ખાઈ લેવાની. પપ્પાની આંખો તો, આંખમાં કંકુના સૂરજ આથમ્યા હોય એવી લાલમલાલ !


જૂનના પહેલા વીકમાં જ, વાદળનાં મમ્મી–પપ્પા ત્રણચાર મહિનાની તૈયારી સાથે ભારતમાં ઊતરી પડ્યાં. આખા ભારતમાં ફરી વળ્યાં, ત્રણ મહિના પૂરા થયા– સપ્ટેમ્બર અડધે પહોંચ્યો તોય એમનું બેબી વાદળ કશે નજરે ન ચડ્યું. અણસાર સુધ્ધાં નહીં ને ! આખરે થાકી–હારીને એક બગીચામાં એ લોકો પોતાનાં કપડાં નિચોવીને બાંકડે બેઠાં હતાં કે, બાજુને બાંકડે એક પુરુષને ડબક ડબક રડતો જોયો. નજીક ગયાં તો પેલા દુ:ખી જીવની આંખમાં એમનું તોફાની બેબી મસ્તી કરતું દેખાયું. બંનેએ એને બહુ બોલાવ્યું, વહાલથી ને ધમકાવીને પણ. પણ એ તો આંખને ખૂણે લપાઈને બેસી ગયું. બંનેને નવાઈ લાગી. લોકો તો વાદળ ઉપર સવાર થઈને આકાશમાં ફરવાનાં સપનાં જુએ અને આ અમારું બેટું ! એક જ જગ્યાએ બોર નથી થતું ? બેબીએ તો કહી દીધું, ‘મને ટીવી જોવાની બહુ મજા આવે છે. હું ગમે ત્યારે અંદર–બહાર આવું–જાઉં, નાચું–કૂદું મને કોઈ રોકટોક નથી. મારે નથી આવવું. ’


પણ એ તો મમ્મી–પપ્પાનું એકનું એક બેબી ! એ લોકો તો જબરદસ્તીથી બેબી વાદળને ઊંચકીને લઈ ગયાં, ‘આવતે વર્ષે પાછું આવજે બસ ?’ ‘પણ મારી બધી સિરિયલ અડધી રહી જશે.’ ‘ના–ના. આવતા વર્ષે તો હજી તારે વધારે કામ કરવું પડશે. તું અમારી જેમ મોટું પણ થશે ને ઘરડું પણ થશે ને, તો પણ આ બધી સિરિયલો તો ચાલુ જ રહેવાની. એટલે બહુ અફસોસ કરવા જેવો નથી. ’ બેબી વાદળ તો માની ગયું ને હરખાતું હરખાતું પપ્પાને ખભે ચડી, પપ્પાના વાળ પકડી ખેંચવા માંડ્યું.

બેબી વાદળની વિદાય થતાં જ, અચાનક જ પપ્પાની કોરીધાકોર આંખોમાંથી કંકુ ખરી ગયું ને સૂરજની રોશની પ્રગટી. મગજ ફાટફાટ થવા માંડ્યું, કમર ટટાર ને પગમાં જોર ! ઘર તરફ એક વાવાઝોડું ધસી રહ્યું હતું ! મા–દીકરી હવે દર વર્ષે બેબી વાદળની રાહ જોશે.


શુક્રવાર, 16 મે, 2014

કોઈ જીતા કોઈ હારા

          
વિજેતાઓને થોડા પ્રશ્નો :

·       તમે ચૂંટાઈ ગયા, હવે શું કરવા માંગો છો ?
હવે ક્યાં કંઈ કરવાનું બાકી રહે છે ?

·       પ્રજાને તો તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
અમારી અપેક્ષાઓ પૂરી થઈ; હવે પ્રજાને કહો પાંચ વર્ષ ધીરજ ધરે.

·       પણ તમે તો પ્રચારમાં બહુ વચનો આપેલાં !
અમે ક્યાં ના પાડીએ છીએ ? જરા જીતને પચાવવા તો દો !

·       વિરોધપક્ષની કઈ ખામી એમને નડી ?
અમારો વિરોધ કરવાની.

·       તમે સ્વચ્છ સરકાર આપશો ?
એ વળી શું ?

·       તમારા પ્રધાનો શિસ્ત જાળવશે ?
એક જ વાક્યમાં બે વિરોધી શબ્દો ના મૂકો.

·       દેશની પ્રગતિમાં તમે કેટલો ફાળો આપશો ?
ફાળો અમારે નહીં; અમને આપવાનો હોય.

·       તમે ગામેગામ ફર્યા, હવે શું ?
હવે એ ગામના લોકો અમારી પાછળપાછળ ફરશે.

·       તમને હાર મળત તો પચાવી શકત ?
હાર શબ્દ અમને ગળા પૂરતો જ ખબર છે.

·       પ્રજાને કંઈ કહેવું છે તમારે ?
વિપક્ષને ઠેકાણે પાડવા બદલ ધન્યવાદ. હવે તમે તમારે ઠેકાણે ને અમે અમારે ઠેકાણે.

·       જીત બદલ અભિનંદન અને શુભેચ્છાઓ.
અભિનંદન બદલ આભાર અને શુભેચ્છાઓની જેમને જરુર છે, એમને આપો તો વધારે સારું. અમને તો સૌની શુભેચ્છાઓ ફળી જ છે.

પરાજિતોને થોડા પ્રશ્નો :

·       તમે હારી ગયા, હવે શું કરવા માંગો છો ?
હવે ક્યાં કંઈ કરવાનું બાકી રહે છે ?

·       પ્રજા પાસેથી તમને શી અપેક્ષાઓ છે ?
બધી અપેક્ષાઓ પહેલાં પણ અમે પ્રજા પાસે જ રાખેલી અને કાયમ રાખીશું; પણ પ્રજા આટલી ચાલાક નીકળશે એવું નહોતું ધાર્યું.

·       પ્રજાને તમે ઘણાં વચનો આપેલાં, તેનું શું ?
સત્તા પર હોઈએ તો કંઈ થઈ શકે અને એમ પણ અમે વચનો પૂરાં કરવામાં બહુ ઢીલાં પડીએ. પ્રજા ક્યાં સુધી રાહ જુએ ?

·       તમને કોણ નડ્યું ?
અમે જ અમને નડ્યાં ! ને બીજું કોણ નડ્યું તે જગજાહેર છે.

·       ધારો કે, તમે જીતી જાત તો સ્વચ્છ સરકાર આપત ?
એ વળી શું ?

·       તમે ગામેગામ ફર્યા ને સભાઓ ભરી, આખરે તમને શું મળ્યું ?
હજી ઘણાં ગામો બાકી રહી ગયાં ને સભાઓ મોળી પડી, તે જાણવા મળ્યું.

·       તમે હારને પચાવી શકશો ?
હાર પચાવવી તો મુશ્કેલ જ છે; છતાં અમે વારંવાર ભેગા મળી, આત્મનિરીક્ષણ કરી, હારનું કારણ જાણીને જ જંપીશું. બધા આંકડા મેળવતાં ને નિષ્કર્ષ પર આવતાં, હાર પચાવીને ફરી બેઠાં થતાં, પાંચ વર્ષ તો જોતજોતામાં નીકળી જશે ! આ કંઈ પહેલી ને છેલ્લી હાર થોડી જ છે ?

·       પ્રજાને કોઈ સંદેશ ?
તમે અમારી સાન ઠેકાણે લાવી છે. અંદરઅંદરના ઝઘડા મિટાવીને કોઈના પર પણ આધાર રાખ્યા વગર, અમે પાંચ વર્ષની અંદર જ, અમારો એક સબળ નેતા કે અભિનેતા તૈયાર કરીને જ રહીશું એની ખાતરી રાખજો.

·       પાંચ વર્ષનો ગાળો બહુ લાંબો ન કહેવાય ?
પણ હવે વિરોધ પણ શેનો કરીએ ? કંઈ બોલવા જેવું જ નથી રહ્યું !

·       તો પછી તમે પણ વિરોધપક્ષમાં જોડાઈ જાઓ. બધા ઝઘડા જ ખતમ !
પણ, અમે તો વિરોધ પક્ષમાં જ છીએ ને ?

(હા, ભૂલ્યા, તમે તો ‘વિરોધપક્ષ’માં રહીને પણ ‘વિરોધીપક્ષ’નું કામ કરી શકો છો. પછી અહીં રહો કે ત્યાં; શો ફેર પડે છે ? તમને કે દેશને !)

                       ‘જય હિંદ’


રવિવાર, 11 મે, 2014

આંધળી માનો મોબાઈલ


એક જમાનામાં આંધળી માનો કાગળગીતે ધૂમ મચાવેલી. દીકરો કમાવા પરદેશ જતો રહ્યો છે; પણ ગયા પછી માની કોઈ ખબર લેતો નથી કે પોતાની ખબર દેતો નથી. આવા દીકરાને, આંખે ન જોઈ શકતી મા કોઈ પાસે કાગળ લખાવે છે. પોતાની હાલતનું વર્ણન કરતી વખતે પણ એની દીકરા પ્રત્યેની માયા ઓછી નથી થતી.

આજે આંધળી મા તો રહી નથી; પણ દીકરાની માયામાં આંધળી બની જતી મા પાસે દીકરાને કાગળ લખવાનો ટાઈમ નથી. (કદાચ આવડતેય હવે રહી નથી !) પણ મોબાઈલ તો છે ને ? બસ, એનો બધો પ્રેમ, બધી ચિંતા એ મોબાઈલથી વ્યક્ત કરતી રહે છે અને અજાણપણે માયાનો ત્રાસ ફેલાવતી રહે છે. દીકરો કમાવાને બદલે ભણવા બીજા શહેરમાં ગયો છે. માને ચિંતા ન થાય ? એ શું ખાતો હશે ? (માની પહેલી ચિંતા). તરત મોબાઈલ કાને લગાવી ગળગળા અવાજે શરૂ :
બેટા, ખાધું ?’
હા મમ્મી, ક્યારનું જમી લીધું.
શું જમ્યો બેટા ?’
એ જ, દાળભાતશાક ને રોટલી.
દાળશાક તને ભાવે છે ને ? ભાત ને રોટલી કાચાં તો નથી ખાતો ને ? એવું હોય તો સરને ફરિયાદ કરી દેજે. ન ભાવે ત્યારે તારા પૉકેટમનીમાંથી બહાર ખાઈ લેજે. પૈસાની ચિંતા નહીં કરતો.(!) બે ટાઈમ બૉર્નવિટા ને ફ્રૂટબિસ્કીટ આપે છે ને ? બેટા, ભૂખ્યો નહીં રહેતો. અહીં તો હું તારું ધ્યાન રાખતી; ત્યાં તને કોણ જોતું હશે ? પ્લીઝ, બરાબર ખાજેપીજે, ચિંતા નહીં કરતો, હું રોજ ફોન કર્યા કરીશ. તારાથી નહીં બોલાય તો અમે આવીને સરને સમજાવી જઈશું.

એક ચિંતા પતાવીદૂર કરી, ત્યાં બીજી હાજર જ હતી ! સવારે ઊઠવામાં તો દીકરો બહુ આળસુ છે. ત્યાં એને કોણ ઉઠાડતું હશે ? તે પણ મારી જેમ, માથે વહાલથી હાથ ફેરવીને ? ભીની આંખે મા દીકરાને ફોન લગાવે છે.
દીકરા, તું સવારે જાતે ઊઠી જાય છે કે કોઈ તને ઉઠાડે છે ?’
મમ્મી, અહીં તો રોજ સવારે છ વાગ્યે બધાના રૂમમાં રિંગ વાગે એટલે અડધા કલાકમાં તૈયાર થઈને બધાએ નીચે નાસ્તા માટે પહોંચી જવાનું.

હાય હાય ! અડધા કલાકમાં તૈયાર થઈ જવાનું ?’ માની ચિંતા આંસુ બની ધોધમાર વરસવા માંડે. જેને પથારીમાંથી બહાર નીકળતાં જ પંદર મિનિટ થાય અને નિત્યકર્મ પતાવતાં અડધો કલાક લાગે, તેણે અડધો જ કલાકમાં ? પછી બિચારાનું પેટ ના બગડે ? માંદો ના પડે ? આ હૉસ્ટેલવાળા પણ ખરા છે ! તદ્દન જડ જેવા. જોયા ન હોય મોટા બહુ ડિસિપ્લીનવાળા ! મેં તો કેટલી ના પાડેલી એને હૉસ્ટેલમાં મૂકવાની; પણ મારું કોણ સાંભળે છે ?’

માની વાત તો ખરી હતી. જો કે, આ બધો બબડાટ તો રોજનો થઈ ચૂકેલો. હવે બે વરસ પછી પણ એને સાંભળવા કોણ નવરું હોય ? પણ મા એટલે મા ! ચિંતા તો થાય ને ? માની ચિંતામાં ફક્ત ભણવાની ચિંતા છેલ્લે આવે (જેના માટે એને હૉસ્ટેલમાં મૂકેલો) પણ બાકી બધી ચિંતા એને ઠરવા ન દે. એને એટલે માને અને દીકરાને પણ !

રૂમમાં રોજ ઝાડુપોતાં થાય છે ? કપડાં સારાં ધોવાય છે કે ? ઈસ્ત્રીવાળો કપડાં ખોઈ કે બાળી નથી નાંખતો ને ? તું માથામાં તેલ નાંખે છે ને ? શૅમ્પૂ છે કે ખલાસ ? દોસ્તોને બધું આપી નથી દેતો ને ? કે પછી એ લોકો જ બધું પૂરું કરે છે ? નાસ્તા છે કે મોકલાવું ? પૈસા જોઈએ તો પપ્પાને કહું ? દાદાદાદી તને બહુ યાદ કરે છે. કાકા, મામા, કાકી અને માસી પણ યાદ કરે છે.માનું અને માની ચિંતાનું લિસ્ટ બહુ લાંબું અને દીકરાને અકળાવનારું, તેમ જ દોસ્તોમાં મશ્કરીને પાત્ર બનાવનારું છે; પણ શું થાય ? મા તે મા.

માબાપની ચિંતા દૂર કરવા દીકરો ભણી રહ્યો અને સરસ મજાની નોકરીએ લાગ્યો. બિચારી માના નસીબે બીજા શહેરમાં ! ફરીથી માને તો મોબાઈલના સહારે જ રહેવાનું આવ્યું ને ?

સવારમાં છ વાગતાં જ ફોન ચાલુ...
ઊઠ બેટા, છ વાગી ગયા.
મમ્મી, હું ઊઠી જઈશ, મેં એલાર્મ લગાવ્યો છે.
મને ખબર છે તારી ઊંઘવાની ટેવ. હૉસ્ટેલમાં તો બધા સાથે હતા, અહીં તને કોણ ઉઠાડે ? ચાલ તો, ઊઠી જા તો.
દીકરાની લાખ ના છતાં મમ્મી તો દર પાંચ મિનિટે ફોન કરીને દીકરાને ઉઠાડીને જ રહી. બીજા દિવસથી દીકરાએ પોણા છએ માને ફોન કરીને જણાવવા માંડ્યું કે, ‘મમ્મી ફોન નહીં કરતી, હું ઊઠી ગયો છું.

ઓફિસમાં પણ; કોઈ પણ સમયે ફોન કરી દેતી મમ્મીને દીકરાએ કહેવું પડ્યું, ‘મમ્મી, હવે મેસેજ કરી દેજે અને વાત કરવી હોય તો આપણે રાત્રે વાત કરશું.મમ્મીને જરા માઠું લાગી ગયું, દીકરો મોટો થઈ ગયો ! ખરેખર, માની લાગણી કોણ સમજી શકે ?

હવે ? છેલ્લું ચૅપ્ટર. દીકરાનાં લગ્ન થયાં, વહુ આવી. વહુ આવે એટલે કંઈ માએ ખસી જવાનું ? નહીં જ વળી. એવું વળી કોણે કહ્યું ? માને ચિંતા ના થાય ? (થાય ને થવી જ જોઈએ; પણ હવે તો ભાર ઝીલવાવાળી આવી, પછી માએ શેનો ભાર રાખવાનો ? પ...ણ મા તે મા.) વળી, મોબાઈલ શાના માટે છે ?

બેટા, વહુ કેવું રાંધે છે ? મારા જેવી રસોઈ બનાવે છે ? તને ભાવે છે ? ભૂખ્યો તો નથી રહેતો ને ? તને જે ખાવાનું મન થાય તે મને કહેજે, પાર્સલ કરી દઈશ. નહીં તો વહુને કહેજે, મને ફોન કરે, હું શીખવી દઈશ. તારાં કપડાંની ખરીદી કોણ કરે છે ? આટલાં વર્ષો મારી પસંદનાં કપડાં પહેર્યાં, તે હવે વહુની પસંદનાં કપડાં ગમે છે ? ના ગમે તો કહેજે, મોકલી આપીશ. તબિયત સાચવજે, બહારનું ખાતો નહીં, તાપમાં ફરતો નહીં.....(વગેરે..વગેરે..વગેરે..વગેરે..)

(દીકરાને માથે ચડાવતી કે માવડિયા બનાવતી મોબાઈલમાતાઓને મધર્સ ડે પર સપ્રેમ ભેટ.)

મંગળવાર, 6 મે, 2014

તાળું ખોવાયું છે

‘આ બૅગનું લૉક નથી ખૂલતું, જરા નંબર બોલજોને.’ ક્યારની બૅગ ખોલવા મથી રહેલી એટલે સ્થળ ને કાળનું ભાન ભૂલેલી હું એમના મિત્રમંડળની વચ્ચે, ચિંતિત સ્વરે ફરિયાદ કરતી ઊભી રહી.


કાન તો બધાના જ ચમકયા; પણ ડોળા એકના જ ફર્યા, તે ધમધમ કરતા બૅગ મૂકેલી ત્યાં આવી ઊભા. ઊભા શેના, તાડૂક્યા – ધોધમાર વરસ્યા.

‘કંઈ અક્કલ–બક્કલ છે કે નહીં ? (અક્કલ તો છે પણ ઘણી વાર એના પરનું બક્કલ કાઢવાનું રહી જાય છે !) બોલવાનું જરા પણ ભાન નથી. (હમણા ભાન વગરનું જો બોલવા માંડીશ તો તમે બેભાન થઈ જશો. ) આમ બધાની વચ્ચે બૅગના લૉકનો નંબર પુછાતો હશે ? ક્યારે શીખશે કોણ જાણે !’ (‘બધાની વચ્ચે પૂછું, તો બધામાં તમારું માન વધે કે, બૅગના લૉકનો નંબર પણ પોતાના કબજામાં રાખે છે !’ ) પછી તો, તારા કરતાં તો ફલાણાં સારા ને ઢીંકણાં સારા, ને આમ ને તેમના મજાના લવારા ચાલ્યા. મારે તો લૉકના નંબર સાથે મતલબ, એ બધા લવારાનું મારે શું કામ ? બધું માથા પરથી જવા દીધું, નહીં તો મારું મગજ લૉક થઈ જાય !

જાણે કે, જેમની સાથે એ ઊભેલા તે બધા જ ચોર ! લાગ મળતાં જ બૅગ ખોલી નાંખશે ને અંદર કંઈ નહીં હોય તોય બૅગ ઉઠાવીને ભાગી જશે જાણે ! (અક્કલ કોનામાં નથી તે જ મને ઘણી વાર નથી સમજાતું. તમને સમજાય છે ?)

ખેર, બૅગનું લૉક તો ખૂલ્યું. ફરીથી નવો નંબર ગોઠવાઈ ગયો અને મને તાકીદ કરાઈ કે, બીજી વાર આવી ભૂલ નહીં થવી જોઈએ. ‘માણસ માત્ર ભૂલને પાત્ર’, તે કેમ કોઈને યાદ નહીં રહેતું હોય ?

કશેક ફરવા જવાના હોઈએ કે બહારગામ જવાના હોઈએ ત્યારે બૅગ ગોઠવવાનું કે બૅગ તૈયાર કરવાનું કામ, પહાડ ચડવા જેટલું કઠિન કે નદી–સાગર તરવા જેટલું કપરું લાગે છે. કોઈ વાર ફરવા જવાવાળાની કે ઘણા દિવસો માટે બહારગામ જનારાની આ હંમેશની ફરિયાદ કે ચિંતા હોય છે. ઘણા  બૅગ ગોઠવનારા તો, એ કામને ચપટી વગાડતાં કે રમતાં રમતાં થઈ જતાં કામોમાં ગણાવે છે. ‘કબાટમાંથી આ કપડાં કાઢ્યાં ને આ બૅગમાં મૂક્યાં કે બેગ તૈયાર ! એમાં કેટલી વાર ? રોજની જરૂરિયાતવાળું પાઉચ તો હું તૈયાર જ રાખું, ઝંઝટ જ નહીં.’ આ લોકો સાધુની કક્ષામાં આવી શકે. જેમની જરૂરિયાતો ઓછી હોય તેવા લોકો જ ફટાક દઈને બૅગ ગોઠવી શકે, બાકી તો....

બાકી તો, કલાકો સુધી ખાલી બૅગને જોતાં જોતાં, ધ્યાનમાં બેસી જનારાઓનો વર્ગ ખાસ્સો મોટો છે. એમની મોટામાં મોટી ચિંતા હોય છે, બૅગમાં શું મૂકવું ને શું ન મૂકવું ! કબાટ ખુલ્લો હોય, આખા રૂમમાં ખુરશી, ટેબલ અને પલંગ સિવાય પણ જમીન પર બધી વસ્તુઓ પથરાયેલી પડી હોય અને બૅગ ગોઠવનાર ચિંતામાં સૂકાઈને અડધા થવાની તૈયારીમાં હોય. મોટે ભાગે સ્ત્રીઓ આ પરિસ્થિતિનો શિકાર બનતી હોય છે. એમની ચિંતા પણ ખોટી નથી હોતી. દિવસમાં ચાર વાર કપડાં બદલવાનાં હોય, રોજનો નાઈટડ્રેસ જુદો હોય, કદાચ ને કોઈ કારણસર એકાદ–બે દિવસ મોડું થાય ને રોકાવું પડે કે પછી વરસાદ પડે ને કપડાં ભીનાં કે મેલાં થઈ જાય તો ? અગમચેતી સારી ! મેકઅપનો સામાન તો ખરો જ. મૅચિંગ ચપ્પલ–સૅંડલના ઢગલામાં એકાદ જોડી સ્પોર્ટ્સ શૂઝ તો ક્યાંય સમાઈ જ જાય. ભલે પહેરાય કે ન પહેરાય, સાથે લીધાં હોય ને મન થાય તો પહેરાય પણ ખરાં !

બૅગ ગોઠવવાની શરુ કરતાં પહેલાં, કોઈ ‘શ્રી ગણેશ’નું નામ તો નહીં લેતું હોય; પણ ‘શ્રી લૉકેશ’નું રટણ તો જરૂર કરવું જોઈએ. જો કે, ખરેખર એવું થતું નથી અને બૅગ ગોઠવાઈ ગયા પછી જ, ખરી મજા, એનું તાળું–ચાવી શોધવામાં આવે છે. દર વખતે તાળું ને ચાવી, ઘરની જવાબદાર અને સમજદાર વ્યક્તિના શુભ હસ્તે વ્યવસ્થિત જગ્યાએ જ મુકાયાં હોય, તોય કોણ જાણે કેમ ? ઐન મૌકે પર હી ? પછી ચાલે તાળાની શોધાશોધ અને સાથે એની જોડીદાર ચાવી તો ખરી જ. જો તાળું ન મળ્યું તો ? વળી બૅગ ખાલી કરવી પડશે ? કે પછી, ટ્રેનનો ટાઈમ થાય ત્યાં સુધી તાળા–ચાવીની શોધ ચાલુ રાખી, ‘આશા છોડવાની નથી – ભલે આ પાર કે તે પાર થઈ જાય’વાળું જોશ જાળવી રાખવાનું છે ?

હતાશ થઈને પછી તો, બૅગ ગોઠવવાનો કે લેવાની વસ્તુઓનો તાળો મેળવવાનો આનંદ માણવાનો બાજુ પર મૂકી, સૌ બબડતાં બબડતાં ને એકબીજા પર દોષારોપણ કરતાં કરતાં તાળાની શોધમાં મંડી પડે. અચાનક કોઈકની બુદ્ધિ આવા સમયે દગો આપવાને બદલે મદદે આવે ને એને યાદ આવે કે, જ્યારે ટ્રેનનો ટાઈમ થવા માંડ્યો હોય અને સમયસર, ટ્રાફિકની આરપાર કે ઉપરનીચે થઈને પણ જો સ્ટેશને ન પહોંચ્યા તો બધાની ટિકિટોનો ભોગ લેવાઈ જશે, ત્યારે વીસ પચીસ રૂપિયાના તાળામાં જીવ વળગાવવો નરી મૂર્ખામી જ છે. કદાચ આખા કાર્યક્રમની એક ડૉક્યુમેન્ટરી તૈયાર થઈ જશે અને કાયમ માટે ઘણી બધી વાતો પર તાળાં લાગી જશે !

આખરે દર વખતની જેમ જ છેલ્લી ઘડીએ, ફરી વાર એક નાનકડા સુંદર તાળાનું ઘરમાં આગમન થાય અને બધાનાં મનનો એકબીજા સાથે તાળો મળતાં જ પ્રસ્થાનની તેયારી થાય. એક નજીવા તાળાને ખાતર કંઈ જવાનું ઓછું જ માંડવાળ કરાય ? તો પછી, ઉપડો ત્યારે... ‘શુભ યાત્રા !’