ઓપેરા હાઉસના જાદુમાંથી જેમ તેમ બહાર નીકળવાની
કોશિશ કરતાં હતાં ત્યાં જ, નજીકમાં જ આવેલા ‘પંડિત પલુસ્કર ચોક’ આગળ અટક્યાં.
ભારતીય સંગીતને આપેલા માતબર પ્રદાનની યાદ એમના નામે આ ચોક આપી રહ્યો છે. અહીંથી
રોજના હજારો લોકો પસાર થતાં હશે પણ પંડિત પલુસ્કરને ઓળખનાર કેટલાં? જો કે, ખોટું
શું કામ કહેવું? અમે પણ પહેલી વાર જ આ નામ જાણ્યું. પણ જાણ્યા પછી તો આ ચોક પર
ધરાઈને નજર ફેરવી. કેવા કેવા ઉસ્તાદ, સંગીતના ખાં અહીં રહ્યા હશે, એમના જેવા જ
બીજા ઉસ્તાદોએ ભેગા મળીને અહીંના વાતાવરણને સુરીલું બનાવવા સાથે કેટલાય લોકોને
સમૃધ્ધ કર્યા હશે! આંખ સામે એ વિરલ દ્રશ્યનો વિચાર આવતાં જ નજર સામે ફક્ત ચોક જ રહી ગયો ને આજુબાજુની દુનિયા ધુંધળી
બનતી ગઈ.
આ પંડિતનું નામ રોશન કરનાર એક હોનહાર શિષ્ય હતા પ્રોફેસર
બી આર દેઓધર. મહારાષ્ટ્રના નાનકડા ગામમાંથી સંગીત શીખવાની નેમ સાથે નીકળેલા દેઓધરે
શરૂઆત જ મોટા ગુરુની પાસે તાલીમ લેવાથી કરી. જાણીતા ગાયક વિષ્ણુ દિગંબર પલુસ્કરના
ગુરુભાઈ નીલકંઠબુવા અલુરમઠ, જેઓ ખુદ ગ્વાલિયર ઘરાનાના બાલક્રુષ્ણબુવાના શિષ્ય હતા
એમની પાસે તાલીમ લીધી. પછી તો એક પછી એક ઘરાનાના ઉસ્તાદોના હાથ નીચે તાલીમ ચાલુ જ
રહી. એમાં કિરાના ઘરાનાના અબ્દુલ કરીમ ખાન અને પલુસ્કરના જ બીજા શિષ્ય વિનાયકરાવ
પટવર્ધને એમની કલાને નિખારી. જયપુર અને ગોખલે ઘરાનાના ઉસ્તાદો સિવાય પતિયાલા
ઘરાનાના બડે ગુલામઅલી ખાંસાહેબ પાસે પણ શિક્ષા મેળવી. અધધ કહી શકાય એવો ખજાનો ખૂલી
રહ્યો હતો અને મન માનવા તૈયાર નહોતું કે કોઈ કેવી રીતે આટલું બધું એક જ જનમમાં
મેળવી શકે? લોકો તો નાકની દાંડીએ સીધે સીધા ચાલીને જિંદગી પૂરી કરે, ત્યારે આવા
વિરલ લોકોના શોખને કે જ્ઞાન મેળવવાની ઈચ્છાને કોઈ અંત જ ન હોય!
એમણે વિષ્ણુ દિગંબર પલુસ્કરની ‘ગંધર્વ
મહાવિદ્યાલય’માં પ્રવેશ મેળવ્યો. પ્રવેશ ન મળત તો જ નવાઈ. એમની આવડતે એમને
પટ્ટશિષ્યનો દરજ્જો આપ્યો. દેઓધર એમના ગુરુના એક માત્ર શિષ્ય હતા જેમણે ભણતર સાથે
સંગીતની ઉપાધિ પણ મેળવી. જુદા જુદા ઘરાનાની તાલીમ એમને ખૂબ ફળી. સિતાર અને
સારંગીની તાલીમ પણ ગાયકીની સાથે ચાલુ જ રહી. બડે ગુલામ અલી ખાંસાહેબ સાથે વરસો
જોડાયેલા રહીને સંગીતની ખૂબ સેવા કરી. પછીથી
પોતે જ એક જાણીતા સંગીતકાર બની રહ્યા. એમણે ઘરાનાઓની પરંપરાથી અલગ રહીને
અહીંની ગલીઓના મેળાપ આગળ ‘દેઓધર સંગીતશાળા’ શરૂ કરી. કારણ? પહેલાં જે સંગીત શીખતાં
તેમને સમાજમાં ખાસ કોઈ દરજ્જો મળતો નહીં. સામાન્યમાં સામાન્ય લોકોને પણ જો સંગીત
શીખવું હોય તો કોઈની સામે જોઈ ન રહેવું પડે એ જ આશયે આટલા મોટ ગુરુના શિષ્ય રહી
ચૂકેલા અને ખુદ એક મોટા ગાયક–સંગીતકાર બની ચૂકેલા અદના માનવીએ પોતાનાં મૂળિયાં
પકડી રાખ્યા.
પંડિત દેઓધર સંગીતના સામયિકોના તંત્રી બન્યા,
સંગીત ને સંગીતકારો વિશે કેટલાંય પુસ્તકો લખ્યા અને અવિરત સંગીતની સેવા કરતા
રહ્યા. કુમાર ગંધર્વ, સરસ્વતી રાણે અને લક્ષ્મી ગણેશ તિવારી એમના જાણીતા શિષ્યો
હતા. અમારો ગાઈડ વાતો કરતાં કરતાં બહુ ભાવુક બની જતો કારણકે એ પણ મહારાષ્ટ્રિયન
હતો અને આર્કિટેક્ટ હોવા છતાં સંગીત અને કળામાં ઊંડી દિલચસ્પી ધરાવતો હતો.
‘તમે જાણો છો કે જાણીતા મરાઠી કલાકાર બાલ
ગંધર્વે અહીં નાટક કરેલાં?’ ઓપેરા હાઉસ તરફ આંગળી ચીંધતાં એણે ફરી એક વાર રૉયલ
ઓપેરા હાઉસની યાદ તાજી કરી. બાલ ગંધર્વ સ્ત્રીના વેશે જ સ્ટેજ પર આવતા અને
સ્ત્રીના અવાજમાં જ સંવાદો બોલતા. જેમને મરાઠી ન સમજાતું તે પણ અહીં આવતાં! કેમ?
તો બાલ ગંધર્વના બ્લાઉઝની સ્ટાઈલ જોવા દરજીઓ અને સ્ત્રીઓ ખાસ આવતી અને તે જ તે
સમયની આધુનિક ફેશન બની જતી! આપણાં સ્વરસામ્રાજ્ઞી લતાદીદીના શરૂઆતના શોમાંનો એક
જાહેર શો ઓપેરા હાઉસમાં પણ થયેલો!’
આગળ ચાલતાં એક સો વરસ જૂની લૉજ આગળ અમે ઊભાં.
અટપટું નામ ‘બ્લાવાત્સ્કી લૉજ’ પણ ઈતિહાસ તો એનો અદ્ભુત. અંગ્રેજોએ ભારતની ઘણી
ઈમારતોમાં ભારતીય શૈલી સાથે મોગલાઈ શૈલીનું મિશ્રણ કરેલું. આ લૉજમાં પણ એવું જ
મિશ્રણ હતું. ખ્રિસ્તી ધર્મની વાતો કરવાનું આ મહત્વનું મથક બની ગયેલું. પછીથી
ઓગણીસસો ને ચોંત્રીસમાં આ લૉજ અહીં હિન્દુસ્તાની સંગીત પીરસનાર જાણીતું સ્થળ
બન્યું, જ્યાં ત્રણ ઘરાનાના દિગ્ગજ કલાકારોએ એક સાથે પોતાનો કાર્યક્રમ પણ રજૂ
કરેલો! જાણીતાં શાસ્ત્રીય ગાયિકા કેસરબાઈ કેરકરને
રવીન્દ્રનાથ ટાગોરે ‘સુરશ્રી’નો ખિતાબ આપેલો, એમનાં ઘણાં ગીતો આ લૉજમાં રેકોર્ડ
થયેલાં! આજે કોઈ કલાકાર આ રીતે રેકોર્ડિંગ કરવા તૈયાર થાય? આ લૉજમાં રેકોર્ડિંગની
ઘણી સારી સગવડ હોવાને કારણે અહીં ઘણા કલાકારો ભેગા પણ થતાં અને લૉજને અમર કરવામાં
પોતાનો ફાળો પણ નોંધાવતા. જે પહેલું વોયેજર સ્પેસક્રાફ્ટ હતું તેમાં બાર ઈંચની એક
તાંબાની રેકોર્ડ મોકલાયેલી અને એના પર બિથોવન તથા મોઝાર્ટના સંગીત ઉપરાંત ભારતની
એક માત્ર કેસરબાઈના અવાજની યાદો કોતરાયેલી હતી! એ ગીત હતું, ‘જાત કહાં હો?’
અમને સતત મનમાં થતું હતું કે આટલાં વરસો
મુંબઈમાં રહીને આપણે શું કરેલું? બસ, જુહુ ને ચોપાટી ને નેશનલ પાર્ક ને આરે કૉલોની
સિવાય કંઈ જોયું જ નહીં? બહુ બહુ તો વિહાર લેકના બૂટ હાઉસમાં ચક્કર મારી આવતાં કે
હેંગિંગ ગાર્ડનમાં ટહેલી આવતાં! આપણી પાસે કેટલાં વરસો હતાં ને મહિનાઓ ને દિવસો પણ!
આખું મુંબઈ ફેંદી કાઢત તો પણ કદાચ પુરું ન થાત પણ આજના જેવો અફસોસ તો ન રહેત.
મહેમાન આવે તો પણ એમને આ જ બધી જગ્યાએ ફેરવવાના, એ જ બધું ખવડાવવાનું જે વખણાતું
હોય ને મહેમાન ખાસ એ જ ખાવા આવ્યાં હોય જાણે! દર અઠવાડિયે ફિલ્મો જોવાને બદલે એકાદ
શનિ–રવિ આવી જગ્યાઓ શોધી શોધીને ફર્યાં હોત તો કે દિવસના ધન્ય થઈ જાત. ખેર, હજીય
મોડું નથી થયું. જે જોયું બહુ છે, જેટલું માણ્યું અધિક જ છે. આજે પણ અહીં ન આવત
તો?
ચાલો, હજી તો બે જ જગ્યા જોઈ ને આટલા જલસા થયા
છે તો બાકી રહેલી જગ્યાઓમાં તો કેવોક ખજાનો હશે!